Back

કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ દત્તક લીધેલાં આદર્શ ગ્રામ નિરોણામાં જિલ્લા કલેકટરે તંત્રની બેઠક યોજી વિકાસકામોની સમીક્ષા કરી

કેન્દ્રીયમંત્રી સ્મૃતિબેન ઇરાનીએ દત્તક લીધેલાં આદર્શ ગ્રામ નિરોણામાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને તંત્રની બેઠક યોજી વિકાસકામોની સમીક્ષા કરી

નિરોણાવાસીઓએ મોટી સંખ્યામાં હાજર રહી આદર્શ ગ્રામ નિર્માણમાં તંત્રને આપ્યો સહયોગ

ભુજ, કલાની પંચતીર્થિ ગણાતાં નિરોણા ગામે આજે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિબેન ઇરાનીએ દત્તક લીધેલાં નખત્રાણા તાલુકાના નિરોણા ગામને આદર્શ ગ્રામ યોજના હેઠળ આદર્શ ગ્રામ તરીકે વિકસાવવાનું નક્કી કરાતાં નિરોણાવાસીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નિરોણાને આદર્શ ગ્રામ બનાવવાના તંત્રના પ્રયાસોમાં સહયોગ આપ્યો હતો.

નિરોણા આદર્શ ગ્રામના સર્વાંગી વિકાસમાંના ઘડતર માટે મો માટે અનેકવિધ જાહેર સુવિધાઓ, ઉત્પાકતા અને માનવ વિકાસને ઉન્નત કરવા અને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટેની તકો ઊભી કરવા સાથે પૂ. ગાંધીજીની કલ્પનાનું ગામ બનવાની દિશામાં મોડેલ ગામ બનવા જઇ રહેલા નિરોણામાં આજે જિલ્લા વહીવટીતંત્રના વડા જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે દરેક વિભાગોના વડાને કામગીરીની સમીક્ષા કરવા નિરોણા જાતે ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી હતી.

આજે નિરોણા ખાતે ૪૨ વિભાગોના વડાઓને હાજર રાખી  નિરોણા ગામને હાલની સુવિધાઓનો બેઝ લાઇન સર્વે કરી, વર્ષ દરમિયાન કરવાના નવા વિકાસકીય કામો તથા તેનો બેંચમાર્ક અને માઇલસ્ટોન મુજબની કામગીરીની જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા સમીક્ષા હાથ ધરાઇ હતી.

        જિલ્લા કલેકટર રેમ્યા મોહને આદર્શ ગ્રામના દિશાનિર્દેશો અનુસાર વિભાગવાર કામગીરીની સમીક્ષા કરતાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિબેન ઇરાની દ્વારા દત્તક લેવાયેલા નિરોણામાં વિભાગવાર શું-શું કામગીરી કરાઇ છે, તેનો રીવ્યુ લેતાં વેબસાઇટ ઉપર મૂકેલ સર્વે મુજબ કામગીરી કરવા દરેક વિભાગોને નિર્દેશ આપ્યો હતો. તેમણે કેટલાંક વિભાગો દ્વારા બેઝલાઇન સર્વેની ડેટાએન્ટ્રી તથા કામગીરીમાં પ્રગતિ નબળી જણાતાં ગંભીરતાથી લેવા અધિકારીઓને તાકીદ કરી હતી.

 

તેમણે અધિકારીઓને માનવ વિકાસ સૂચકાંક ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે મધ્યાહન ભોજન જેવી યોજનાના સુચારૂ અમલીકરણ માટે વાલીઓ સાથે બેઠક યોજના તેમજ કમિટી બનાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

આ ઉપરાંત મિશન મંગલમ અંતર્ગત હસ્તકલાને લગતા જૂથોને પ્રોત્સાહન આપવા, આવાસ યોજના, ગ્રામ માર્ગો, પી.એમ.સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, જનધન યોજના, વૃધ્ધ સહાય, દિવ્યાંગ પેન્શન વગેરે બાબતે નિરોણા કેમ્પ યોજવાનો પણ નિર્દેશ અપાયો હતો.

નિરોણાની પાણી યોજનાની સમીક્ષા હાથ ધરાતાં ઉપસ્થિત ગામ લોકોએ પણ પાણીનો પૂરતો જથ્થો મળતો ન હોવાનું અને ટીડીએસની માત્ર વધુ હોવાની રજૂઆતો કરાતાં બે દિવસમાં નવો બોર ચાલુ થઇ જતાં તેનો નિવેડો આવી જશે તેમ પાણી પૂરવઠા વિભાગ દ્વારા જણાવાયું હતું. નિરોણાને ૨૪ કલાકની વીજ સુવિધા આપવા, સોઇલ હેલ્થ કાર્ડ, કનેકટીવીટીના પ્રશ્તો બાબતની પણ ચર્ચા-વિચારણા કરાઇ હતી.

 

જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ પંચાયત વિભાગ હસ્તકની કામગીરીમાં ઝડપ લાવવા સાથે સંકલિત બાળ વિકાસ, આવાસ યોજના, મનરેગા યોજના સહિત ગ્રામિણ વિકાસના કામોને નિયત સમયાવધિમાં પૂર્ણ કરવાના નિર્દેશો આપ્યાં હતા.

બેઠકના પ્રારંભે નખત્રાણાના પ્રાંત અધિકારી સહ આદર્શ ગ્રામ યોજનાના ચાર્જ ઓફિસર જી.કે.રાઠોડ આદર્શ ગ્રામ યોજનાની સંપૂર્ણ વિગતો, પેરામીટર, બેઝલાઇન સર્વે વગરેની છણાવટ કરી વિલેજ ડેવલપમેન્ટ પ્લાન મુજબ નકકી કરેલી યોજનાઓનું અમલીકરણ સહિતના વિવિધ મુદ્દાઓની છણાવટ કરી હતી.     

આ પ્રસંગે નિરોણાના સરપંચ લક્ષ્મીબેન ભાનુશાલી, પદ્મશ્રી વિજેતા અબ્દુલ ગફુર ખત્રી, ગ્રામ પંચાયતના મોંઘીબેન આહિર, ધીરૂભા જાડેજા સહિતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

સમીક્ષા બેઠકમાં પ્રોબેશ્નરી આઇએએસ અધિકારી અર્પણાબેન ગુપ્તા, ડીઆરડીએ નિયામક એમ.કે.જોષી, લીડબેંક મેનેજર સિન્હા, જિલ્લા આયોજન અધિકારી મહાવીરસિંહ રાઓલ, પ્રોબેશ્નરી નાયબ કલેકટર સિધ્ધાર્થ ગઢવી, નાયબ પશુપાલન નિયામક ડો. કે.જી.બ્રહ્મક્ષત્રિય, સિંચાઇ વિભાગના સોનકેસરીયા, પાણી પૂરવઠા વિભાગના પી.એ.સોલંકી, વાસ્મોના ડી.સી. કટારિયા, સમાજ સુરક્ષા અધિકારી રોહડિયા, સમાજ કલ્યાણ અધિકારી જયેશભાઈ બારોટ સહિત પીજીવીસીએલ, એસ.ટી.જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, સહિત જુદાં-જુદાં વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

નખત્રાણા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..