Back

ગાંધીનગરમાં પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીનો ૭મો ગૌરવશાળી દિક્ષાંત સમારોહ સંપન્ન

૧૦૪૨ યુવા છાત્રોને પદવી એનાયત કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ – મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

દેશની અર્થવ્યસ્થાને ૨૦૨૨ સુધીમાં વિશ્વની ટોપ-૩માં લાવવાનો પ્રધાનમંત્રીનો નિર્ધાર - યુવાશક્તિ મોટા લક્ષ્ય સાથે ઇકોનોમીને ૫ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવા યોગદાન આપે : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

અમિતભાઈ શાહ

દેશના વિકાસમાં તમામ સરકારોનો ફાળો - પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પાંચ વર્ષના સુશાસનમાં વિકાસની પરિભાષા બદલાઈ

વિશ્વભરના લોકો ભારત સામે મીટ માંડી રહ્યાં છે : પ્રધાનમંત્રીએ ભારતનું નામ વિશ્વભરમાં ગુંજતુ કર્યું

૧૫૦મી ગાંધી જયંતિ ઉજવણીએ સૌ દેશવાસીઓ સંકલ્પબધ્ધ બને : ૧૩૦ કરોડ સંકલ્પો દેશને સર્વોચ્ચ શિખરે પહોંચાડશે

ગ્લોબલ વોર્મિંગ – ક્લાયમેટ ચેન્જ સામે સજાગ બનીએ

પીડીપીયુ પ્લાસ્ટિક રિસાયકલિંગ અનેઇકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક ક્ષેત્રે સંશોધન-વિકાસ અભ્યાસક્રમ શરૂ કરે

 

મુખ્યમંત્રી

નયા ભારતના નિર્માતા તરીકે યુવાશક્તિ સમર્પિત ભાવથી રાષ્ટ્ર વિકાસમાં જોડાય

કોમ્પિટીશનના યુગમાં માઇન્ડ સેટ કો-ઓપરેશન પર ફોકસ કરો

ઇઇન્ક્લુઝિવ-સસ્ટેનેબલ ગ્રોથ માટે જ્ઞાન-કૌશલ્યનો વિનિયોગ કરવા છાત્રશક્તિને આહવાન  

 ડૉ. મુકેશ અંબાણી

પાંચ ટ્રિલિયન ડૉલર્સનું આગામી અર્થતંત્ર ''ડિજિટલ ઇન્ડિયા'' ની પરિકલ્પનાને આગળ ધપાવીને વિશ્વમાં ''નવી ડિજિટલ સોસાયટી'' ઉભી કરશે : ડૉ.મુકેશ અંબાણી

મોબાઈલ ડેટા યુસર્સની સંખ્યામાં આપણે વિશ્વમાં પ્રથમ, 'ટેક્નોલોજી-ડ્રિવન ''સ્ટાર્ટ અપ્સ'' માં આપણે વૈશ્વિક દૃષ્ટિએ ત્રીજા ક્રમે

અમિતભાઇ શાહ ખરા અર્થમાં ''કર્મયોગી'' અને આજના યુગના ''લોહપુરુષ''

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના સાતમા પદવીદાન સમારોહમાં પદવી ધારક છાત્રોને આહવાન કર્યું કે જીવનમાં રહેલી અપાર સંભાવનાઓ સાકાર કરવાની તમન્ના અને ઝૂઝારૂપણાથી જ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે.

તેમણે આ સંદર્ભમાં યુવાનોને પોતાના જીવનનાં વ્યક્તિગત, પારિવારિક, સામાજિક ઉત્થાનના ધ્યેયથી ઉપર ઉઠીને ગામ-રાજ્ય-રાષ્ટ્રના હિતનો એકાદ સંકલ્પ – કોઇ લક્ષ્ય કે ધ્યેય રાખવાની પણ પ્રેરણા આપી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પી.ડી.પી.યુ.ના પ્રેસિડેન્ટ મુકેશ અંબાણી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડોક્ટરેટ ડિગ્રીના ૩૧ સહિત ૧૦૪૨ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી હતી. તેમણે ઉચ્ચતમ્ દક્ષતા પ્રાપ્ત ૬૧ છાત્રોને ગોલ્ડમેડલથી પણ સન્માનિત કર્યા હતાં.

કેન્દ્રીય ગૃહમંત્રીએ પંડિત દીનદયાળજીના નામ સાથે જોડાયેલી આ યુનિવર્સિટીના છાત્રોને દીનદયાળજીએ એકાત્મ માનવવાદ અને વ્યક્તિથી સમષ્ટિનો વિચાર કરી અંત્યોદય ઉત્થાનના આપેલા ચિંતનની પણ વિશદ સમજ આપી હતી. 

કેન્દ્રીય ગૃહમંત્રીએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા કહ્યું કે તમારા પાઠ્યક્રમના શિક્ષણનો આ અંત છે, પરંતુ દેશના વિકાસમાં યોગદાન આપવાની નવી ઇનિંગની શરૂઆત છે. તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં સદાય મોટું લક્ષ્ય રાખવા જણાવ્યું હતું.  

તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રના વિકાસનો એક નાનો સંકલ્પ લેવા આહવાન કર્યું હતું અને કહ્યું કે ૧૩૦ કરોડ ભારતીયોનો આવો એક નાનો સંકલ્પ ભારતને ૧૩૦ કરોડ ડગલાં આગળ લઇ જશે.

કેન્દ્રીય ગૃહમંત્રીએ પર્યાવરણના મુદ્દે ચિંતાનો સૂર વ્યક્ત કરતા જણાવ્યું કે જો અત્યારે આપણે ક્લાયમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ વિશે વિચારીશું નહીં તો ભવિષ્યમાં આપણા માટે વિશ્વને ક્લીન રાખવું દુષ્કર બની જશે.

તેમણે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીને પ્લાસ્ટિક રિસાયકલિંગ અને ઇકો-ફ્રેન્ડલી પ્લાસ્ટિક બનાવવાના ક્ષેત્રે સંશોધન-વિકાસ અભ્યાસક્રમો શરૂ કરવાનું સૂચન પણ કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રીએે પી.ડી.પી.યુ.ને વિવિધ શૈક્ષણિક સુવિધાઓ શરૂ કરવા માટે રૂ. ૨૭૫ કરોડની સહાય આપવાની પણ ઘોષણા કરી હતી.

અમિત શાહે ઉમેર્યું કે, દેશને આગળ વધારવા માટે ઈશ્વરે તક આપી છે ત્યારે કઠોર પરિશ્રમ કરવો પડશે. દેશ આવનારા વર્ષે ૧૫૦મી ગાંધી જયંતિ ઉજવી રહ્યો છે ત્યારે, આપણે નવી ઊર્જા, નવા સંકલ્પ સાથે આગળ વધવુ પડશે. તેમણે ઉમેર્યું કે, ગાંધી જયંતિએ પ્લાસ્ટિક મુક્ત ભારત નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યુઝ ઓફ પ્લાસ્ટિક પર નિયંત્રણનું અભિયાન હાથ ધરાનાર છે તેમાં સૌ દેશવાસીઓ સક્રિય યોગદાન આપવા સંકલ્પબદ્ધ બનશે તેવી મને શ્રદ્ધા છે.

શાહે ૨૦૧૪ પૂર્વેની દેશની સ્થિતિ અને હાલની સ્થિતિની વિશદ છણાવટ કરતા ઉમેર્યું હતું કે, અગાઉ દેશમાં મોંઘવારી ૯ ટકા રહેતી હતી જે અત્યારે ૩ ટકાથી નીચે છે. ફિસ્કલ ડેફિસિટ ૫ ટકાની નજીક હતી જેને આજે ૩.૩ ટકા સુધી લાવવામાં સફળ રહ્યાં છીએ. IMF આગામી બે વર્ષમાં ભારતને સૌથી ઝડપી વિકાસ કરવાવાળી ઈકોનોમીનું આશ્વાસન આપ્યું છે. આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી પ્રસંગે ભારત વર્ષ ૨૦૧૮-૧૯માં FDI ૫૬ મિલિયન ડોલર થયું છે. ઈઝ ઓફ ડુંઈંગ બિઝનેશમાં વર્ષ-૨૦૧૪માં આપણે ૧૪૨માં સ્થાને હતા. આજે આપણે ૭૭માં સ્થાને છીએ જે આપણા માટે મોટી સિદ્ધિ છે. જેના પરિણામે વિશ્વભરના રોકાણકારો ભારત તરફ આકર્ષાયા છે. WEFના વૈશ્વિક સ્પર્ધાત્મક ઈન્ડેક્ષમાં ભારત આજે ૫૮માં ક્રમે છે. દેશમાં જીએસટીનો અમલ કરક્ષેત્રે સૌથી મોટો સુધારો સાબિત થયો છે.    

અમિતભાઈ શાહે પેટ્રોલિયમ ક્ષેત્રની પ્રચંડ વિકાસ સંભાવના સંદર્ભે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત ૫ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવાનું લક્ષ્યાંક ધરાવે છે. એનર્જી અને પેટ્રોલિયમ ક્ષેત્ર વિના આ લક્ષ્યાંક અધૂરો છે, ત્યારે આ બેય ક્ષેત્રે હોનહાર યુવાશક્તિએ પદાર્પણ અને યોગદાન કરવાનું છે.  

વડાપ્રધાનના વિઝનની પ્રશંસા કરતા અમિતભાઈએ કહ્યું કે નરેન્દ્રભાઈ લોકોને પસંદ પડે એવા નહીં પણ લોકો માટે સારા હોય એવા નિર્ણયો લેવામાં માને છે. વડાપ્રધાનશ્રીનો ધ્યેય ભારતને વર્ષ ૨૦૨૨ સુધીમાં વિશ્વના ટોચના ૩ અર્થતંત્રો પૈકીનું એક બનાવવાનો છે. એ માટે યુવાશક્તિએ પરિશ્રમ-લગન અને મહેનતથી યોગદાન આપવાનું છે એવું આહવાન તેમણે કર્યું હતું.

મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પદવી પ્રાપ્ત કરી રહેલા છાત્રોને પ્રેરણાદાયી સંબોધન કરતા શિક્ષણને જ વિકાસનો મુખ્ય આધાર ગણાવ્યો હતો.

તેમણે કહ્યું કે આઝાદીના ૭ દશકમાં દેશના યુવાનો હાથમાં પામટોપ-લેપટોપથી વિશ્વનું જ્ઞાન અર્જિત કરતા હતા ત્યારે કાશ્મીરના યુવાનો અલગાવવાદ- આતંકવાદથી ગુમરાહ હતાં.

કાશ્મીરને હવે ૩૭૦ કલમ દૂર થતા વિકાસના નવા અવસરો મળ્યાં છે અને કાશ્મીરનું યુવાધન પણ જ્ઞાન સજ્જ થવાનું છે તેનું શ્રેય તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ અને ગૃહમંત્રી અમિતભાઈની કુનેહ, પ્રતિબદ્ધતા અને એકતા-અખંડિતતા પ્રત્યેના સમર્પણને આપ્યું હતું.  

મુખ્યમંત્રીશ્રીએ ડિગ્રી મેળવીને હવે પોતાના વ્યવસાયિક જીવનની કેરિયર શરૂ કરવા પર્દાપણ કરી રહેલા યુવાનોને જણાવ્યું કે યુવાશક્તિના સામર્થ્ય અને શક્તિના ભરોસે પ્રધાનમંત્રીએ ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાનું સપનું સંજોયું છે.

આ સપનું પાર પાડવા નયા ભારતના નિર્માતાતરીકે યુવાશક્તિએ સમર્પિત ભાવથી નવિન પર્વ કે લિયે નવિન પ્રાણ ચાહિયે ના મંત્રથી કર્તવ્યરત રહેવું પડશે એમ પણ વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

વિજયભાઈ રૂપાણીએ ૨૧મી સદીમાં જ્ઞાન-વિજ્ઞાનની શ્રેષ્ઠતાના અવસરો રાજ્યના યુવાનોને પૂરા પાડવા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈએ પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી શરૂ કરી હતી તેની ભૂમિકા આપી હતી.

તેમણે વિદ્યાર્થીઓને આહવાન કર્યું કે આજના પ્રતિસ્પર્ધા – કોમ્પિટિશનના યુગમાં યુવાઓએ પોતાનો માઇન્ડસેટ કોમ્પિટિશનના બદલે કો-ઓપરેશન પર ફોકસ કરવો જોઇએ.

ઇન્ક્લુઝિવ ગ્રોથ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે યુવા છાત્રોએ હવે પોતે આ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો વિનિયોગ કરવાનો છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ ઉમેર્યું કે ઇનોવેટિવ એપ્રોચ અને ટેક્નોલોજિકલ નોલેજથી સજ્જ આ યુનિવર્સિટી છાત્રોની કાબેલિયત, ક્રિએટિવિટી અને ઇનોવેશન્સ ભારતીય અર્થવ્યવસ્થાના વ્યાપક સ્તરે વિકાસ માટે ઉપકારક સાબિત થશે.   

મુકેશ અંબાણી

પંડિત દીનદયાલ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સીટી'' (પીડીપીયુ)ના સાતમા દીક્ષાંત સમારોહમાં પ્રમુખસ્થાનેથી વક્તવ્ય આપતા પીડીપીયુના ચૅર પરસન અને રિલાયન્સ ઈન્ડિસ્ટ્રીના અધ્યક્ષ ડૉ.મુકેશ અંબાણીએ દીક્ષિત વિદ્યાર્થીઓને  ઝડપભેર અગ્રેસર થઇ રહેલા ભારતીય અર્થતંત્ર માટે  નવી ડિજિટલ સોસાયટી રચવાનો અનુરોધ કર્યો હતો.

પ્રમુખસ્થાનેથી વક્તવ્ય આપતા પીડીપીયુના ચૅર પરસન અને રિલાયન્સ ઈન્ડિસ્ટ્રીના અધ્યક્ષ ડૉ.મુકેશ અંબાણીએ''પંડિત દીનદયાલ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સીટી''ના સાતમા દીક્ષાન્ત સમારોહના ઉપલક્ષમાં ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવોને આવકારતા જણાવ્યું હતું કે, ''ગુજરાતમાં હું જયારે-જયારે આવું છું ત્યારે મારી ગર્વની લાગણી બેવડાય છે. ગુજરાતની ધરતી જાણે તમામ ક્ષેત્રે સર્વોપરિતાની ભાવના જન્માવે છે.''

તેમણે દેશના ગૃહમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર અમિતભાઇ શાહને તેમની કાર્યઉર્જાને વખાણતા ખરાઅર્થમાં ''કર્મયોગી'' અને નિર્ણયતાને ધ્યાને રાખીને આજના યુગના ''લોહપુરુષ'' ગણાવ્યા હતા. 

113 વિદ્યાર્થીઓથી શરુ થયેલી આ યુનિવર્સિટી આજે માત્ર 12 વર્ષમાં લગભગ 1042ના સંખ્યાબળ સુધી પહોંચી છે. એટલું જ નહિ, એન્જીનરયિંગ-મેનેજમેન્ટ અને લિબરલ આર્ટ્સના ક્ષેત્રે વૈશ્વિક કક્ષાના સ્નાતક, સ્નાતકોત્તર અને ડોક્ટરલ પ્રોગ્રામ માટે ગુણવતાયુક્ત ભાવિ પેઢીને તૈયાર કરી રહી છે તેનો આનંદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ સાથે તેમને આગામી વર્ષોમાં વિશ્વની ટોચની 100 યુનિવર્સટીમાં પીડીપીયુને સમાવવાની નેમ વ્યક્ત કરી હતી. વળી, પીડીપીયુની સંશોધન ક્ષમતાને ધાયને લઈને યુજીસીએ તેને ખાસ ''ઓટોનોમી'' આપી હોવા અંગેનો સંતોષ પણ દર્શાવ્યો હતો.

આ સાથે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે ભૌતિક સંસાધનો જ નહિ; બૌદ્ધિક સંપદાના રૂપે અહીંના અધ્યાપકો પણ યુનિવર્સિટીના વિકાસનું પ્રેરકબળ બન્યા હોઈ, સૌ અધ્યાપકોનો પણ તેમને આ તબકે આભાર વ્યક્ત કર્યો હતો.

મુકેશ અંબાણીએ ભારે વિશ્વાસ સાથે ઉમેર્યું હતું કે, ‘જે રીતે આજની યુવાપેઢી એક અભૂતપૂર્વ વિશ્વાસ અને ઉષ્મા સાથે ડિગ્રી લેતી વખતે મારી સાથે હસ્તધૂનન કરતી હતી, તેમનો આ વિશ્વાસ ''ન્યુ  ઇન્ડિયા''નું સ્વપ્નું જલ્દીથી અને જરૂરથી સાકારિત કરવાનું દર્શાવી જાય છે. આપણે આપણી મહત્વાકાંક્ષાઓને સિધ્ધિઓમાં પરિવર્તિત કરવાની છે.

વૈશ્વિક દૃષ્ટિએ ટેક્નોલોજી-ડ્રિવન ''સ્ટાર્ટ અપ્સ'' માં આપણે ત્રીજા ક્રમે છીએ. ''વાણિયાનું આ નગર-અમદાવાદ'' પણ તેમાં પાછું પડે તેમ નથી! દેશ અને દેશની બહાર તેમણે ઇન્સ્ટિટ્યૂશનલ અને ડિપાર્ટમેન્ટલ ઈનિટીએટીવ ને અગ્રતા આપવા ઉપર ભાર મુક્યો હતો.

પીડીપીયુના ડાયરેકટર જનરલ પ્રો. સી. ગોપલક્રિષ્નને સ્વાગત પ્રવચન કરતા કહ્યું કે, પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, જેને પીડીપીયુ તરીકે ઓળખવામાં આવે છે અને NAAC સાથે ઉચ્ચ એ’’ ગ્રેડ સાથે માન્યતા પ્રાપ્ત છે, ૪ એપ્રિલ, ૨૦૦૭ના રોજ લાગુ કરાયેલા સ્ટેટ એક્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. યુનિવર્સિટી ડોમેન્સમાં પ્રશિક્ષિત માનવ-સંસાધનોની જરૂરિયાતને ધ્યાનમાં લેવા કાર્યક્રમો પ્રદાન કરે છે, વિજ્ઞાન, તકનીકી, સંચાલન, માનવતા અને સામાજિક વિજ્ઞાન પર શિક્ષણ પૂરું પડાય છે.

આ ગૌરવપૂર્ણ પ્રસંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, સાંસદ પરિમલ નથવાણી, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંઘ, પીડીપીયુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજગોપાલન, ડૉ. આર.એ.માશેલકર, ઉદ્યોગપતિ સુધીર મહેતા, ઉચ્ચ સનદી અધિકારીઓ પીડીપીયુ ગવર્નિંગ કાઉન્સિલના સભ્યઓ, પીડીપીયુના રજિસ્ટ્રાર તરુણ શાહ, પીડીપીયુના ફેકલ્ટીઝ, શિક્ષણવિદો, વિવિધ મેડલ તેમજ પદવી પ્રાપ્ત તેજસ્વી વિદ્યાર્થીઓનાં માતા-પિતા સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.  

 


ગાંધીનગર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..