Back

બોટાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા બોટાદ સ્થિત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે આજે જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાના અધ્યક્ષસ્થાને વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાએ વૃક્ષારોપણ થકી જિલ્લાને હરિયાળો બનાવવામાં યોગદાન આપનાર વ્યક્તિ સંસ્થાઓને બિરદાવતા જણાવ્યું હતુ કે, આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં પર્યાવરણની જાળવણીનો વિકટ પ્રશ્ન આપણી સામે ઉભો છે, ત્યારે આપણે સૌએ સાથે મળી ઘનિષ્ટ વૃક્ષારોપણ થકી બોટાદ જિલ્લો હરિયાળો બને તે માટેનું કાર્ય કરવું પડશે. તેમણે પોલીસ વિભાગ દ્વારા વન મહોત્સવના માધ્યમથી હાથ ધરવામાં આવેલા વૃક્ષારોપણના કાર્ય બદલ પોલીસ વિભાગના અધિકારીઓને અભિનંદન પાઠવી અન્ય વિભાગોને પણ વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણના કાર્યક્રમો હાથ ધરી વધુને વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતુ કે, પર્યાવરણની જાળવણી માટે લોકો જાગૃત બની વૃક્ષો વાવે તે માટે આગવા અભિગમ સાથે બોટાદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વન મહોત્સવનો ઝૂંબેશ રૂપે કાર્યક્રમ હાથ ધરાયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે, જયાં સુધી ઝૂંબેશ એ લોકજુવાળ ન બને ત્યાં સુધી તે સાચા અર્થમાં સફળ બનતી નથી. આજે વૃક્ષારોપણ થકી પર્યાવરણની જાળવણી માટે આરંભેલી આ ઝૂંબેશમાં લોકોએ પણ જાગૃત બની જોડાવું પડશે. પર્યાવરણને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. જેને આપણે સૌએ નિષ્ઠાપૂર્વક અદા કરવી પડશે. આ પ્રસંગે અગ્રણી સુરેશભાઇ ગોધાણીએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ.

આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે બોટાદ જિલ્લામાં વૃક્ષારોપણની પ્રસંશનિય કામગીરી કરનાર સંસ્થા વ્યક્તિઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા. પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર, નાયબ પોલીસ અધિક્ષકઓ, બોટાદ અને બરવાળા નગરપાલિકાના પ્રમુખઓ, અગ્રણીઓ સર્વ પોપટભાઈ અવૈયા, જેસીંગભાઈ લકુમ, પ્રતાપભાઈ બારડ સહિતના આગેવાનો તથા પોલીસ વિભાગના અધિકારી કર્મચારીઓ અને લોકો ઉપસ્થિત રહયાં હતા.

 

બોટાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..