Back

બોટાદના કાનીયાડ ડેમ અને કૃષ્‍ણસાગર તળાવમાં ઉર્જા મંત્રીના હસ્તે નર્મદાના નીરના વધામણા

બોટાદ જિલ્લાના કાનીયાડ ડેમ અને કૃષ્‍ણસાગર તળાવમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીરના વધામણા કરતાં ઉર્જામંત્રીસૌરભભાઇ પટેલે જણાવ્‍યું હતુ કે, પાણી એ ઇશ્વરે આપેલ અમુલ્‍ય પ્રસાદ છે, તેનો કરકસરપૂર્ણ ઉપયોગ આપણી ભાવી પેઢી માટે ઉપકારક બની રહેશે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સૌની યોજના દ્વારા નર્મદાનું પાણી સૌરાષ્‍ટ્રના તમામ ગ્રામ્‍ય વિસ્‍તાર સુધી પહોંચાડી પીવા તેમજ સિંચાઇના પાણીના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા રાજય સરકારે સંનિષ્‍ઠ પ્રયાસો કર્યા છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, સૌની યોજના અંતર્ગત લીંક-૨ અને લીંક-૪ દ્વારા નર્મદાના પાણીનો સૌથી વધારે લાભ બોટાદ જિલ્‍લાને મળ્યો છે, ત્‍યારે ખેડૂતોએ ટપક સિંચાઇ પધ્‍ધતિ અપનાવી પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઇએ.

મંત્રી સૌરભભાઇ પટેલે કાનીયાડ ડેમ તેમજ કૃષ્‍ણસાગર તળાવ ખાતે જળપૂજન કરી માં નર્મદાના નીરના વધામણા કર્યા હતાં. આ કાર્યક્રમ પ્રસંગે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી કે.એચ. ડીટનવાલા, નગરપાલિકાના પ્રમુખ જેસીંગભાઇ લકુમ, ઉપપ્રમુખ દશરથભાઇ સોલંકી, ચીફ ઓફીસર માલી, અગ્રણી સર્વ ભીખુભા વાઘેલા, ચંદુભાઇ સાવલીયા, છનાભાઇ, મીનાબેન મહેતા, અનિલભાઇ શેઠ, હેમલતાબહેન દેસાઇ સહિત મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહયા હતાં.

 

અહેવાલ ચિરાગ મકવાણા 

બોટાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..