Back

રસીકરણ સેન્ટર પર ભીડ વધારે જણાય તો અન્ય રસીકરણ સેન્ટર પરથી રસી લેવા આરોગ્ય અધિકારીની અપીલ

મોરબી જિલ્લામાં તમામ તાલુકામાં વિવિધ સેન્ટર પર રસીકરણની કામગીરી પુરજોશમાં ચાલુ

સરકારી દવાખાનામાં રસી વિનામુલ્યે જ્યારે ખાનગી હોસ્પિટલમાં સર્વિસ ચાર્જ સહિત ૨૫૦ રૂપિયા ચાર્જ ચૂકવી રસીકરણ કરાવી શકાશે

તા.૧લી માર્ચ થી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા તથા ૪૫ થી ૫૯ વર્ષ ઉંમરના અન્ય રોગ ધરાવતા નાગરિકોને કોરોના રસી આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી મોરબી જિલ્લામાં અનેક સ્થાનો પર કરવામાં આવી રહી છે ત્યારે કોઈ સેન્ટર ઉપર રસી લેનાર લાભાર્થીઓની ભીડ વધારે જણાય તો નજીકના અન્ય સેન્ટર ખાતે રસી લેવા જવા અને આ કાર્યક્રમમાં સહકાર આપવા માટે મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ.કતીરા દ્વારા અપીલ કરવામાં આવી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ.કતીરાના જણાવ્યા અનુસાર મોરબી જિલ્લામાં મોરબી તાલુકામાં રવાપર, રાજપર, ખાખરાળા, બગથળા, આમરણ, ભરતનગર, ખરેડા, ઘૂંટુ, લાલપર, રંગપર, અર્બન હેલ્થ સેન્ટર લીલાપર રોડ(પરસોતમચોક), અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડી, તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર જેતપર(મ) સરકારી હોસ્પીટલ મોરબી, તથા આયુષમાન ભારત યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલ ક્રિષ્ના હોસ્પિટલ મોરબી અને આયુષ હોસ્પિટલ મોરબીમાં કામગીરી શરૂ થયેલ છે.

વાંકાનેર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર  મેસરીયા, પીપળીયારાજ, તીથવા, કોઠી, લુણસર, દલડી, સિંધાવદર, ઢુંવા અને સબડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર અને ટંકારા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ, સાવડી, નેકનામ, નેશડા(ખા) તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા જ્યારે માળીયા તાલુકામાં   પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ, વવાણીયા, ખાખરેચી, તથા સામુહિક આરોગ્ય કેન્દ્ર માળીયા(મી) તો હળવદ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકર, માથક, મયુરનગર, સાપકડા, જુનાદેવળીયા, રણમલપુર તથા સબડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ ખાતે રસીકરણની કામગીરી ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દરેક સરકારી દવાખાનામાં કોવીડ-૧૯ની રસી વિનામુલ્યે આપવામાં આવે છે. જયારે આયુષમાન ભારત યોજના સાથે જોડાયેલ ખાનગી હોસ્પિટલ ક્રિષ્ના હોસ્પિટલ અને આયુષ હોસ્પિટલમાં રૂ. ૧૦૦/- સર્વિસ ચાર્જ અને રૂ. ૧૫૦/- રસી ના ડોઝ ની કિંમત એમ કુલ મળીને રૂ. ૨૫૦/- લાભાર્થી પાસેથી લેવામાં આવે છે.

કોરોના રસી માટે લાયક લાભાર્થી કોવિન પોર્ટલ અથવા આરોગ્ય સેતુ એપ્લીકેશનમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ રસી લઇ શકશે અથવા રસીકરણના સ્થળ પર જઇને નોંધણી કરાવી રસી લઇ શકશે. નોંધણી માટે આધાર કાર્ડ અને જો આધાર કાર્ડ ઉપલબ્ધ ના હોય તો નિયત કરેલ ઓળખ કાર્ડ પૈકી કોઇપણ એક ઓળખ કાર્ડ તથા ૪૫-૫૯ વર્ષના કોમોર્બીડિટી ધરાવતા લાભાર્થી એ રજીસ્ટર્ડ મેડીકલ પ્રેક્ટીસનર નું કોમોર્બીડિટી અંગે નું પ્રમાણપત્ર ફરજીયાત રજુ કરવાનું રહેશે.

કોરોના રસી માટે લાયક લાભાર્થી ઉપર દર્શાવેલ તમામ સેન્ટરો માંથી કોઈપણ સેન્ટર ખાતે બુધવાર તથા રવિવાર સિવાય કોઈપણ દિવસે સવારે ૯ કલાક થી સાંજના ૫ કલાક સુધીમાં રસી લઇ શકે છે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એમ. કતીરાએ જણાવ્યું છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..