Back

ભાણવડ તાલુકામા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો- મહિલા સહિત ત્રણ આરોપી પકડવાના બાકી

ભાણવડ તાલુકામા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો- મહિલા સહિત ત્રણ આરોપી પકડવાના બાકી



જામનગર


રિપોર્ટર નયના દવે


દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતા રાણાભાઈ ભીખાભાઈ સાદીયા નામના 37 વર્ષના અનુસૂચિત જાતિના યુવાનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ આંબરડી ગામના એક અવાવરૂ કૂવામાંથી ગઈકાલે મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં કલ્યાણપુર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અન મૃતદેહને કૂવામાંથી બહાર કઢાવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ બનાવ આત્મહત્યાનો હોવાની વાતો બાદ આ પ્રકરણ પરનો પડદો ઊંચકાયો હતો અને આ સમગ્ર બનાવ હત્યાનો હોવાનું જાહેર થયું છે.

નિર્મમ હત્યાના આ બનાવ અંગે મૃતક રાણાભાઈના ધર્મપત્ની જશુબેન રાણાભાઈ સાદીયા દ્વારા આ ગામના જ મહેશ મનસુખલાલ સાદીયા, તેના ભાઈ હિતેશ મનસુખલાલ સાદીયા, તથા સબરીબેન ચીમનભાઈ સાદીયા સામે પોતાના પતિની નિર્મમ હત્યા નીપજાવવા અંગે કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી જશુબેન દ્વારા પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ આરોપી મનસુખભાઈ સાદીયાને પૈસાની જરૂર પડતા તેણે સબરીબેન સાથે મળી, કાવતરું રચી અને મૃતક રાણાભાઈ પોતાના ગળામાં કાયમી સોનાનો કિંમતી ચેન પહેરતા હોવાથી આ ચેન લઇ લેવા પોતાના ઘરે બોલાવ્યા હતા. 

જ્યાં મહેશે રાણાભાઈના માથા ઉપર પિત્તળનો કળશિયો ઝીંકી દીધી હતો. બાદમાં મૂર્છિત થઈ ગયેલા રાણાભાઈના ગળામાં દોરડા વડે ટૂંપો આપી તેમની ક્રૂર હત્યા નીપજાવી હતી. અને મહેશએ રાણા ભાઈના ગળામાં પહેરેલો રૂપિયા એક લાખ વીસ હજારની કિંમતનો ત્રણ તોલા સોનાનો ચેન લૂંટી લઈ અને તેમની લાશને તેના ભાઈ હિતેશ મનસુખભાઈની મદદ લઈને, હાથ- પગ બાંધી અને મોટરસાયકલ પર લઈ જઈ, પોતાના વાડી તરફ જવાના રસ્તે આવેલા એક અવાવરૂ કુવામાં નાખી દીધી હતી. આમ, પુરાવાનો નાશ કરવા લાશને આરોપીઓ દ્વારા સગેવગે કરી દેવામાં આવી હતી.

પરંતુ સ્થાનિકોની શોધખોળમાં કૂવામાંથી લાશ મળી આવી હતી. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે મૃતકની પત્ની જસુબેનની ફરિયાદ પરથી એક મહિલા તથા બે ભાઈઓ મળી, ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 302, 394, 201, 114, 120(બી) મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. સ્થાનિક પોલીસની સઘન કાર્યવાહીમાં હત્યાના આરોપીઓ નજીકના ભવિષ્યમાં જ ઝડપાઈ જાય તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. યુવાનની ક્રૂર હત્યાના આ બનાવે નાના એવા આંબરડી ગામમાં ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરાવી છે.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..