Back

કાલોલ તાલુકાના કાનોડ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીનમકાનનો ખાતમૂર્હુત સમારોહ યોજાયો

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



● અંદાજિત 25,000 લોકોને વધુ બહેતર આરોગ્ય સુવિધાઓ મળશે.

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના કાનોડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ  રાજપાલસિંહ જાદવે કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે  સંવેદનશીલ સરકાર તમામ ગામો સુધી શ્રેષ્ઠ સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કટિબધ્ધ છે. કાનોડ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવીન મકાનના નિર્માણને એ જ દિશામાં વધુ એક કદમ ગણાવતા તેમણે જણાવ્યું હતું કે નાગરિકોના સ્વાસ્થ્ય માટે ચિંતિત સરકારે મા વાત્સલ્ય, મા અમૃતમ, આયુષ્માન ભારત જેવી આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે ત્યારે નાગરિકોએ પણ પોતાના હકો માટે જાગૃત બનીને આ યોજનાઓના લાભ ઉઠાવવા માટે આગળ આવવું જોઈએ. 

કાર્યક્રમના ઉદઘાટક કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણે ઉપસ્થિત ગ્રામજનોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે અંદાજિત 80 લાખના ખર્ચે અદ્યતન સુવિધાઓયુક્ત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થતા આસપાસના 15 થી વધુ ગામોના 25,000થી વધુ લોકોને બહેતર આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનમાં પ્રસૂતિ સહિતની સારવાર માટે વધુ જગ્યા ઉપલબ્ધ થતા ગ્રામજનોએ સીએચસી કે સિવિલ હોસ્પિટલ સુધી જવાની જરૂર નહીં પડે. 

આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુશ્રી પુષ્પાબેન ચૌહાણ, જિલ્લા આરસીએચઓ ડો. પી.કે. શ્રીવાસ્તવે પણ પ્રસંગને અનુરૂપ સંબોધન કર્યા હતા. આ પ્રસંગે એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં એપીએમસીના ચેરમેન રાજુભાઈ સહિતના જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના પદાધિકારીઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી સેજલબેન સંગાડા,તાલુકા આરોગ્ય અધિકારી ડો.મીનેશ દોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..