Back

પંચમહાલ જિલ્લામાં કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે રાત્રિસભા યોજાઈ

પંચમહાલ.

બ્યુરોચીફ.આમિર દેલોલિયા

રિપોર્ટર.કાદિરદાઢી  રાત્રિસભા અગાઉ સ્થળ મુલાકાત કરી ગ્રામજનોની જરૂરિયાતો-માંગો જાણી મહત્તમ લાભો આપવાનો નવીન અભિગમ. 

 

રાત્રિસભાનો હેતુ ગ્રામજનોએ દિવસ દરમિયાન કરવાની થતી રોજગારલક્ષી પ્રવૃતિઓને ખલેલ પહોંચાડ્યા વગર તેમના પ્રશ્નો જાણવાનો તેમજ તેમને યોજનાકીય માહિતી-જાણકારી અને લાભો આપવાનો છે.  રાત્રિસભાના આ હેતુને વધુ સાર્થક કરવાના પ્રયાસના ભાગરૂપે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રે જે ગામમાં રાત્રિસભા યોજાવાની હોય તેના બે દિવસ અગાઉ જ ગામની સ્થળ મુલાકાત લઈ ગ્રામજનોની જરૂરિયાતો-માંગો, યોજનાઓના અમલીકરણની સ્થિતિ, ગામની પ્રોફાઈલ સહિતની બાબતો જાણીને કામગીરી કરવાનો નવીન અભિગમ અપનાવ્યો છે. જેથી રાત્રિસભા અગાઉ મહત્તમ યોજનાકીય લાભો ગ્રામજનો સુધી પહોંચાડી શકાય અને બાકી રહેતી કામગીરી અંગે નક્કર આયોજન કરી શકાય તેમ પંચમહાલ જિલ્લા કલેક્ટર  અમિત અરોરાએ ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે યોજાયેલ રાત્રિસભામાં બોલતા જણાવ્યું હતું. સમસ્યાનું નિરાકરણ મેળવવાને ગ્રામજનોને હક ગણાવતા કલેકટરએ  સરકારે જોગવાઈ કરેલ વિવિધ યોજનાકીય લાભો લેવા માટે ગ્રામજનો જાગરૂક અને સક્રિય બને તેના પર ભાર મૂક્યો હતો. તંત્રે વિવિધ યોજના હેઠળ કરેલી કામગીરીનો ચિતાર શ્રી અરોરાએ આપ્યો હતો. તેમણે સસ્તા અનાજની દુકાનેથી મળવાપાત્ર અનાજના જથ્થા અને મધ્યાહન ભોજન યોજનાના મેનુ અંગે જાગરૂક બની નિયમાનુસાર લાભ લેવા જણાવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારી એ.જે. શાહે રાત્રિસભામાં ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે જિલ્લાના છેવાડાના ગામો સુધી સરકારની તમામ યોજનાઓના મહત્તમ લાભ પહોંચાડવાના હેતુથી રાત્રિસભા અગાઉ એડવાન્સમાં ગામની રૂબરૂ મુલાકાત લઈ વિકાસ કાર્યોની સ્થિતિ, તેમની ગુણવત્તા ચકાસવા, બાકી રહેતી કામગીરી વિશે સચોટ અંદાજ નીકાળવામાં આ નવીન અભિગમ કારગર સાબિત થશે. શ્રી શાહે સંરક્ષણ દિવાલ, શૌચાલયો, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના યોજનાકીય કામોની વિગતો આપતા બાકી રહેતા કામો પૂર્ણ કરવા અંગેના આયોજનની રૂપરેખા આપી હતી. રાજ્યભરમાં ચાલી રહેલ પોષણ અભિયાનની વાત કરતા જિલ્લા વિકાસ અધિકારીએ ગામના 5 જેટલા અતિકુપોષિત બાળકોને દત્તક લેનાર પોષણવાલીઓની ભૂમિકા અંગે સમજૂતિ આપી  હતી. ગામની 11 અતિજોખમી સ્થિતિ ધરાવતી માતાઓની કાળજી લઈ નિયમિત રીતે મુલાકાત લેવા આશાવર્કર બહેનો અને તબીબી અધિકારીઓને નિર્દેશ કર્યો હતો.  

આ અગાઉ જિલ્લા ખેતવાડી અધિકારી, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી, પશુપાલન અધિકારી સહિતના અધિકારીઓએ સંબંધિત વિભાગ દ્વારા ચલાવાતી લોકોપયોગી યોજનાઓ વિષે માહિતી આપી હતી.  

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાના હુકમો, ઈ-ગ્રામ સુવિધાથી નીકળેલ વિવિધ દાખલા-પ્રમાણપત્રો, પ્રધાનમંત્રી આવાસયોજના હેઠળ વર્ક-ઓર્ડર્સ, ઘાસચારા કીટ સહિતના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામના વીસીઈને વેબકેમેરાનું વિતરણ કરાયું હતું તેમજ મિશન મંગલમ યોજના હેઠળ જય રામાપીર સ્વસહાય જૂથને રૂ.30,000/-નો ચેક અર્પણ કરાયો હતો.   

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય  ફતેસિંહ ચૌહાણ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી છેલુભાઈ સહિતના પદાધિકારીઓ તેમજ હાલોલ પ્રાંત અધિકારી  એ.કે.ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વડા  આર.પી.ચૌધરી સહિતના અધિકારીગણ અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.       


એડવાન્સમાં મુલાકાત લઈને અપાયેલ યોજનાકીય લાભો

પંડિત દિનદયાલ ઉપાધ્યાય યોજના હેઠળ 28 લાભાર્થીઓને મંજૂરી હુકમ, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 14 હુકમો, 27 લાભાર્થીઓને મા અમૃતમ-આયુષ્માન કાર્ડ અને 5 ઘાસચારા કીટનું વિતરણ તેમજ  240 પશુઓની સારવાર-રસીકરણ, કિસાન ક્રેડિટ કાર્ડની 82 નવી અરજીઓનો સ્વીકાર, 5 કેસીસી કાર્ડનું વિતરણ, વ્હાલી દિકરી યોજના હેઠળ 1 નવા લાભાર્થીની નોંધણી, 13 બહેનોને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ લાભ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાણીપુરવઠા વિભાગ દ્વારા ગામના 58 પૈકી બંધ પડેલા 5 હેન્ડપંપોને રીપેર કરવામાં આવ્યા હતા.

ઘોઘંબા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..