Back

જામનગરના ટાઉનહોલ ખાતે જિલ્લાકક્ષાની પશુપાલન શિબિર પ્રદર્શનનું આયોજન કરાયું

જામનગર ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન યોજાયું ટાઉનહોલ ખાતે જિલ્લાકક્ષાની પશુપાલન શિબિર પ્રદર્શનનું આયોજન કરાયું હતું. જેમાં હાલ કલસ્ટરવાઇઝ જામનગર,ધ્રોલ અને જોડિયા તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પશુપાલન શિબિરને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નયનાબેન માધાણી દ્વારા દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પશુપાલન શિબિરમાં પશુપાલન વ્યવસાયના ચાર પાયારૂપ બાબતો પશુ-પોષણ, પશુ સંવર્ધન, પશુ આરોગ્ય અને પશુ-વ્યવસ્થાપન વિશેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી, સાથે જ પશુઓની જાળવણી અંગે પ્રદર્શનનું આયોજન કરાયું હતું. જેનો જામનગર, ધ્રોલ અને જોડિયા તાલુકાના પશુપાલકોએ લાભ મેળવ્યો હતો.

આ તકે પ્રમુખશ્રી નયનાબેન માધાણીએ પશુપાલન વ્યવસાયમાં વૈજ્ઞાનિક ઢબ અને આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાની અપીલ કરી હતી તેમજ ઉપપ્રમુખશ્રી વશરામભાઈ આહિરે પશુપાલન અને ખેતી સંલગ્ન પરિસ્થિતિ સાથે જ પશુપાલનને વધુ બહેતર વ્યવસાય કઈ રીતે બનાવી શકાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.

શિબિરમાં માહી ડેરીના આસિસ્ટન્ટ મેનેજરશ્રી જયંત ગઢવીએ પશુ પોષણ વિશે, ડો. હિતેશ કોરીંગાએ પશુ સંવર્ધન વિષે પશુપાલકોને વિસ્તૃત માહિતી આપી વિશેષ જાણકારી આપી હતી.

આ પ્રસંગે સામાજિક અગ્રણીશ્રી પ્રવીણભાઈ માધાણી, જિલ્લા પશુપાલન અધિકારીશ્રી ડો.ભગીરથભાઈ પટેલ,મદદનીશ પશુપાલન અધિકારીશ્રી ડો. કોટડીયા, ડો.માવાણી ડો.જીવાણી, ડો.ડાંગર, ડો.પરમાર વગેરે પશુ રોગ નિષ્ણાંતો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..