Back

કાલોલ મામલતદાર કચેરીમાં જીસ્વાન નેટવર્કમાં ફોલ્ટ સર્જાતા બે દિવસથી ઓનલાઇન કામગીરી ઠપ્પ:અરજદારો અટવાયા.

પંચમહાલ. કાલોલ

રિપોર્ટર. સાજીદ વાઘેલા



કાલોલ મામલતદાર કચેરીમાં મંગળવારે નેટવર્કિંગ સર્વિસ આપતા જી-સ્વાનની ઓપરેટિંગ સિસ્ટમ પર કોઈ અગમ્ય કારણોસર અચાનક પાવર સપ્લાય વધી જવાથી મુખ્ય આધારભૂત ગણાતા યુપીએસ (પાવર સિસ્ટમ), એલટી સ્વીચ સિસ્ટમ અને સંભવિત કેબલ વાયર સહિત બળી જતા કચેરીના તમામ વિભાગોના નેટ રાઉટરો પણ ઠપ્પ થઈ જતાં તમામ વિભાગો અને તાલુકાભરની સરકારી ઓનલાઈન કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. સમગ્ર કાલોલ તાલુકાના વહીવટતંત્રનું કેન્દ્ર ગણાતા મામલતદાર કચેરીના તમામ વિભાગો પાછલા બે દિવસથી ઓનલાઈન નેટ સર્વિસ વિના નિરર્થક બની જતા સુધારા - વધારા, નકલો, દાખલા, સ્ટેમ્પ અને દસ્તાવેજો સંલગ્ન તમામ ઓનલાઈન કામગીરી બંધ જોવા મળી રહી હતી. જેને કારણે દિવસભર તાલુકાભરના અને દુર ગામડાઓમાંથી આવતા ગ્રામજનોના કામકાજ અટવાયા હતા અને ધરમધક્કાઓ ખાવાની નોબત સર્જાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કચેરી દ્વારા જી-સ્વાનના આ ટેકનીકલ ફોલ્ટ માટે ગાંધીનગર સુધી રજુઆત કરવામાં આવી હતી અને સર્વિસ ટીમ દ્વારા સમારકામ કરવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા તેમ છતાં સમસ્યાનો નિકાલ આવ્યો ન હતો, જેના કારણે મંગળવાર-બુધવાર એમ બે દિવસ બગડી ગયા હતા અને આગામી સમયમાં ક્યારે પુનઃ કામગીરી યથાવત બને ત્યાં સુધીમાં કેટલા ઓફિસ કામના કલાકો અને માનવ કલાકો વ્યર્થ જશે તેની સામે સવાલો ઉભા થવા પામ્યા છે.

કાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..