Back

પંચમહાલ જિલ્લામાં શહેરા ખાતે જિલ્લાના માજી સૈનિકોનું સંમેલન યોજાયુ

પંચમહાલ.

બ્યુરોચીફ. આમિર દેલોલિયા

રિપોર્ટર. કાદિરદાઢી




● જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી દ્વારા માજી સૈનિકોના કલ્યાણ અર્થે ચાલતી વિવિધ યોજનાઓની જાણકારી અપાઈ.


પંચમહાલ જિલ્લામાં શહેરા ખાતે જિલ્લામાં વસતા માજી સૈનિકોનું સંમેલન યોજાયું હતું. શહેરા નગરપાલિકા હોલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય  જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે દેશની રક્ષા કાજે જીવન સમર્પિત કરનારા સૈનિકોની અને તેમના પરિવારની કાળજી લેવાની આપણા સૌની જવાબદારી છે. નિવૃતિ પછી તેઓ આરામદાયક, શાંત જીવન વિતાવે તે સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબધ્ધ છે. માજી સૈનિકોને મૂંઝવતા પ્રશ્નો અંગે તેમણે વડોદરા સુધી ધક્કો ન ખાવો પડે તે માટે રાજ્ય સરકારના સહયોગથી ગોધરા ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીની શરૂઆતને તેમણે આ દિશામાં એક પ્રશંસનીય પહેલ ગણાવી હતી.  

જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે યુવાનીના વર્ષો દેશની સુરક્ષા કાજે સેનામાં વિતાવનાર સૈનિકોના નિવૃત જીવન સારી રીતે વ્યતીત થાય તે માટે  જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી કાર્યરત છે. આ કચેરીની યોજનાઓ ઉપરાંત એક્સ આર્મીમેન અને તેમના પરિવારને મળવાપાત્ર અન્ય સરકારી લાભો પણ ઝડપથી મળે તે જિલ્લાવહીવટીતંત્રની એક પ્રાથમિકતા રહેશે. પૂર્વ સૈનિકો માટે કેન્ટીન અને હોસ્પિટલ સહિતની સુવિધાઓ માટે લીલેશરા ખાતે જમીન ફાળવણી થઈ ગઈ હોવાનો ઉલ્લેખ કરતા  અરોરાએ માજી સૈનિકોના પ્રશ્નો સંવેદનશીલ અભિગમ અપનાવી સત્વરે ઉકેલવા ખાતરી આપી હતી.  

કાર્યક્રમમાં મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અધિકારી દિવ્યેશ મુરલીવાલાએ ઉપસ્થિત માજી સૈનિકોને સૈનિક કલ્યાણ કચેરી દ્વારા ચાલી રહેલી યોજનાઓ અને કચેરીની કામગીરી વિશે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમ સ્થળે માજી સૈનિકો માટે પોસ્ટ, પુરવઠા, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, આરોગ્ય સહિતના વિભાગો દ્વારા સ્ટોલ લગાવી વિવિધ દાખલા-પ્રમાણપત્રો, યોજના માટે નોંધણી, પ્રાથમિક સ્વાસ્થ્ય ચકાસણી સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. 

તે અગાઉ દેશની સેવાકાજે સર્વોચ્ચ બલિદાન આપનારા સૈનિકોના માનમાં 2 મિનીટનું મૌન પાળવામાં આવ્યું હતું. શહિદ થનારા સૈનિકોના પત્ની અને માતાઓનું ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં અંદાજિત 650 માજી સૈનિકો વસવાટ કરી રહ્યા છે. પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં વસતા માજી સૈનિકોના કલ્યાણ અને પુનર્વસવાટ માટેની યોજનાઓના અમલીકરણ માટે ગોધરાના જિલ્લા સેવાસદન-2 ખાતે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનવર્સવાટ કચેરી શરૂ કરવામાં આવી છે.  

આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર  એમ.એલ.નલવાયા, પ્રાંત અધિકારી જયકુમાર બારોટ, તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં માજી સૈનિકો સહભાગી થયા હતા.