Back

વાગરા: ભરુચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી, કલેકટરે કર્યું ધ્વજવંદન

વાગરા: ભરુચ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉત્સાહભેર ઉજવણી, કલેકટરે કર્યું ધ્વજવંદન


જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી કરાઇ

જિલ્લા કલેક્ટર એમ.ડી.મોડીયાએ ફરકાવ્યો તિરંગો

વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને પરેડનું નિદર્શન કરાયું 

 

આપણો દેશ 71માં પ્રજાતંત્રના પર્વની ઉજવણી કરી રહયો છે. જે અંતર્ગત ભરૂચમાં જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારંભનું વાગરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. એપીએમસી મેદાન ખાતે કલેકટર ડૉ. એમ.ડી. મોડીયાના હસ્તે ધ્વજારોહણ કરાયું હતું. દેશભરમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિમાં લીન થઈને 71મા ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ હતી.સમગ્ર ભરૂચ જિલ્લામાં પણ પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી વિવિધ કાર્યક્રમો સહિત ધ્વજવંદન કરી કરવામાં આવી હતી. ભરુચ જિલ્લાકક્ષાની ઉજવણી જિલ્લા સમાહર્તા ડો.એમ.ડી. મોડીયાની હાજરીમાં વાગરા ખાતે કરવામાં આવી હતી. દેશભકિતના માહોલમાં જિલ્લા કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયાએ દેશ વાસીઓની જાન અને દેશના અભિમાન સમાન તિરંગાને ફરકાવ્યો હતો. રાષ્ટ્રગીતની સુરાવલી વચ્ચે હાજરજનોએ તિરંગાને સલામી આપી હતી.


જિલ્લા કક્ષાના ઉજવણી કાર્યક્રમમાં ધ્વજારોહણ બાદ વિવિધ કાર્યક્રમોની પ્રસ્તુતિ કરાઇ હતી. કાર્યક્રમમાં જિલ્લાની 16 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં પોલીસ પરેડ, સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન, યોગ નિદર્શન અને સાંસ્કૃત્તિક સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. પ્રસંગ દરમિયાન સંબોધન કરતાં કલેકટરે જણાવ્યું હતું કે, દેશમાં શાંતિ, પ્રગતિ અને વિકાસમાં સહભાગી બની દેશના ભવિષ્યને ઉજજવળ બનાવવાની આપણાં સૌની ફરજ છે. ભારતને વિશ્વ ફલક પર નામના અપાવવા માટે જિલ્લાવાસીઓને પોતાનું યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.


કાર્યક્રમમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા સહિતના રાજકીય આગેવાનો, વાગરા મામલતદાર, જિલ્લા એસપી સહિતના અધિકારીઓ તેમજ જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં અધિકારીઓ, સ્પર્ધાર્થીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ વાગરાની સરકારી સંસ્થાઓ, જાહેર સ્થળો સહિત શાળાઓમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.

રીપોર્ટર:સરફરાજ સોલંકી

વાગરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..