Back

આહવા ખાતે નેશનલ ચાઈલ્ડ ડે નિમિત્તે વ્હાલી દિકરી દિવસની ઉજવણી.

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

ડાંગની સ્ત્રી શક્તિને ઉજાગર કરીએ..જિલ્લા વિકાસ અધિકારીએચ.કે.વઢવાણિયા..

મહિલા અને બાળ કલ્યાણ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ગેડિયાએ જણાવ્યું હતું કે જે માતા પ્રથમ વખતે સગર્ભા બને છે ત્યારે રૂા.૫,૦૦૦ ની સહાય આપવામાં આવે છે.

ડાંગ જિલ્લાની તાલુકા શાળા આહવા ખાતે આજે તા.૨૪/૦૧/૨૦૨૦ ના રોજ ઈ.ચા.કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને નેશનલ ચાઈલ્ડ ડે નિમિત્તે વ્હાલી દિકરી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

દિકરીના જન્મને વધામણી કરવી જોઈએ એમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ ઉપસ્થિત તમામ લોકોને જણાવ્યું હતું કે હાલમાં જ દિકરીઓનો જન્મદર ઓછો થઇ રહ્યો છે. જે માટે સરકારશ્રી પણ ચિંતિત છે. માતૃવંદના,કસ્તુર બા પોષણ સહાય યોજના,હાલમાં જ લોંચ થયેલી વ્હાલી દિકરી યોજના જેવી વિવિધ યોજનાઓનો આશય દિકરીઓનું પ્રમાણ વધે તે છે. વ્હાલી દિકરી યોજના ઓગષ્ટ-૨૦૧૯ માસથી અમલી બની છે. રૂા.બે લાખથી ઓછી આવક ધરાવતા વાલીને આ યોજનાનો લાભ મળી શકે છે. જેમાં દિકરી પુખ્ત વયની થાય ત્યાં સુધીમાં રૂા.૧,૧૦,૦૦૦ ની સહાય તેમના માં-બાપને આપવાની જોગવાઈ છે.ડાંગની સ્ત્રી શક્તિને ઉજાગર કરીએ. સ્ત્રીઓ સમાજમાં માનભેર જીવી શકે તે માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ ૩૩ ટકા અનામત આપી છે. સ્ત્રી શિક્ષણનું પ્રમાણ વધે તે માટે આપણે જાગૃત બનીએ.

દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી એસ.ડી.સોરઠિયાએ શાબ્દિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે રાષ્ટ્રિય દિકરી દિવસ છે. જ્યાં નારીનું પૂંજન થાય ત્યાં દેવતાઓનો વાસ છે. આપણને આ દિવસ ઉજવણી કરવાની જરૂર એટલા માટે પડી કે દિવસે વિદસે દિકરીઓનું પ્રમાણ સમાજમાં ઓછુ થતું જાય છે. આપણે સૌ દિકરીઓનું સન્માન કરીએ, સમાજમાં દિકરીઓનું સાતત્યપૂર્ણ અસ્તિત્વ ટકાવી રાખવા તથા બાળલગ્ન અટકાવવા સહિયારા પ્રયાસ હાથ ધરીએ. દિકરીઓનું સામાજીક સ્થાન ઉંચુ આવે તથા શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ધટે તેવા સંદેશ સાથે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. વ્હાલી દિકરી યોજના અંતર્ગત ડાંગમાં ૭૧૮ દિકરીઓને લાભ આપવામાં આવ્યો છે. દિકરીઓના જન્મદરના પ્રમાણમાં સમગ્ર રાજ્યમાં ડાંગ બીજા નંબરે છે.

મહિલા અને બાળ કલ્યાણ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ગેડિયાએ જણાવ્યું હતું કે જે માતા પ્રથમ વખતે સગર્ભા બને છે ત્યારે રૂા.૫,૦૦૦ ની સહાય આપવામાં આવે છે તે માટે આધારકાર્ડ,રેશનકાર્ડ તથા મમતા કાર્ડ જરૂરી છે. સામાજીક દુષણો નાબુદ કરી અત્યાચાર અટકાવવાનો સંદેશ સમાજમાં દરેકે આપવો જોઈએ.

નેશનલ ચાઈલ્ડ ડે ની ઉજવણી નિમિત્તે વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મહાનુભાવો દ્વારા પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. તેમજ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ વિજેતા દિકરીઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નરેન્દ્ર ઠાકરે, એ.ડી.આઈશ્રીઓ,૧૮૧ અભયમ, આચાર્યશ્રી પ્રજેશભાઈ ટંડેલ સહિત મોટી સંખ્યામાં વિઘાર્થીઓ ઉપસ્થિત રહી શપથ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અંતમાં આભારવિધિ બાલ સુરક્ષા અધિકારીશ્રી ચિરાગ જોષીએ કરી હતી.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..