Back

હિંમતનગરના સમરસ કુમાર-કન્યા છાત્રાલય અને ઇડરના કુમાર છાત્રાલયનું લોકાપર્ણ કરાયું. સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ એટલે સમરસ છાત્રાલય


હિંમતનગરના સમરસ કુમાર-કન્યા છાત્રાલય અને ઇડરના કુમાર છાત્રાલયનું લોકાપર્ણ કરાયું.

સામાજીક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ એટલે સમરસ છાત્રાલય

મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર

 

         સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સમરસ કુમાર –કન્યા છાત્રાલય અને ઇડરના કુમાર છાત્રાલયનું લોકાર્પણ સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમાર તથા રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહિરના હસ્તે કરવામાં આવ્યું હતું

        હિંમતનગર ખાતે રૂ. ૧૮.૬૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ સ્વામી વિવેકાનંદ સમરસ કન્યા છાત્રાલય તથા રૂ. ૧૬.૬૧ કરોડના ખર્ચે નિર્માણ થયેલ સ્વામી વિવેકાનંદ સમરસ કુમાર છાત્રાલય તેમજ ઇડરના કુમાર છાત્રાલયનું લોકાપર્ણ કરતા સામાજીક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે, સમાજના પછાતવર્ગોનું સામાજીક ઉત્કર્ષ થાય તે માટે રાજયના તમામ જિલ્લાઓમાં સમરસ છાત્રાલય નિર્માણનું કાર્ય હાથ ધર્યુ છે. સમાજના અન્ય વર્ગની હરોળમાં વિકાસની દોડમાં આ સમાજના લોકો પાછળ ન રહી  તે માટે અનેકવિધ યોજના અમલમાં મુકી છે તેનો લાભ લઇ આર્થિક રીતે ઉન્નત બનવા માટે અપીલ કરી હતી.

        મંત્રીશ્રીએ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા હાથ ધરાયેલ કાર્યોની રૂપરેખા  આપતા જણાવ્યું હતું કે, શરૂઆતમાં રાજ્યના ૬ મોટા જિલ્લાઓમાં આ સમરસ છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ રાજ્યના અન્ય  જિલ્લાઓને આવરી લઇ સમરસ છાત્રાલયોનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જેમા આગામી વર્ષમાં પાટણ,અરવલ્લી, બારડોલી અને ગાંધીનગર ખાતે છાત્રાલયનું નિર્માણ કરાશે આ છાત્રાલયો સમાજીક સમરસતાના ઉદાહરણ બનવાની સાથે વિધાર્થીઓના શિક્ષણના નવા દ્વાર ખોલશે તેમ ઉમેર્યુ હતું.

         તેમણે સમાજના પછાત વર્ગના દિકરા-દિકરીઓ પણ ઉચ્ચ શિક્ષણ મેળવતા હોવાનુ જણાવી કહ્યુ હતું કે રાજ્યના ૭૦ વિધાર્થીઓને રૂ. ૧૦.૬૫ કરોડના ખર્ચે વિદેશમાં  ઉચ્ચ શિક્ષણનો લાભ રાજ્ય સરકારે અપાવ્યો  હોવાનું તેમણે ઉમેર્યુ હતું.

        મંત્રીશ્રીએ ૫૦ ટકાથી વધુ અનુસૂચિત જાતિના વસતિ ધરાવતા સાબરકાંઠાના ભાદરડી, કુંપ, મહિવાડા, સઢા અને ઇસરવાડા ગામોને પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના હેઠળ આવરી લઇ રૂ. ૨૧ લાખની ગ્રાન્ટના ખર્ચે સામુદાયિક વિકાસના કામ હાથ ધરવામાં આવશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.  

        તેમણે સમાજના પછાત વર્ગ ન્યાયનો માત્ર યાચક બનીને ન રહે પરંતુ ખરા અર્થમાં ન્યાયનો અધિકાર મેળવતો થાય તે દિશામાં રાજ્ય સરકાર કામ કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

        કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે રાજયની આ સરકાર સમાજના તમામ વર્ગોને વિકાસની અગ્રિમ હરોળમાં લાવવા માટે કટિબધ્ધ છે. આ અત્ય આધુનિક છાત્રાલયના નિર્માણ થકી સમાજના વિકાસની ગતિ વધુ તેજ બનશે તેમ વધુમાં ઉમેર્યુ હતું.

     આ પ્રસંગે વિવિધ યોજનાકીય સહાયના લાભોનું વિતરણ મંત્રી શ્રી તથા અન્ય મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું. 

        લોકાપર્ણ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઇડરના ધારાસભ્ય શ્રી હિતુ કનોડીયા, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક શ્રી પ્રકાશ સોલંકી, અધિક કલેકટર શ્રી વી.એલ.પટેલ સહિત નગરજનો અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  

ઇડર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..