Back

રાજકોટના ત્રણ કારખાનેદાર સાથે સુરતના શખ્શની ૭.૬૦ લાખની છેતરપીંડી

 રાજકોટના અટીકાના પટેલ કારખાનેદાર સાથે સુરતના શખ્સે વિશ્વાસ કેળવી તેની પાસેથી રૂ. ૬,૮૨,૯૦૮ના ગન મેટલ બુશનો માલ ખરીદી ઠગાઇ કરતાં અને આ કારખાનેદારના બે મિત્રો પાસેથી પણ આ રીતે માલ લઇ જઇ કુલ રૂ. ૭,૬૦,૯૦૮ની છેતરપીંડી કરવામાં આવતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.  સુરતના ૩,૬૦,૦૦૦નો માલ મંગાવ્યા બાદ રાજકોટ આવી બીજો આટલો જ માલ હોટલ ખાતે આવીને દઇ જવા અને પેમેન્ટ લઇ જવા કહેતાં કારખાનેદારે માલ ત્યાં પહોંચાડ્યો હતો. પણ તેને પેમેન્ટ લેવા બીજા એક વ્યકિત પાસે મેટોડા મોકલાયા બાદ એ વ્યકિતએ ફોન બંધ કરતાં ત્રીજા વ્યકિતનો નંબર અપાયો હતો. તેણે મવડી ચોકડીએ બોલાવ્યા બાદ તેણે પણ ફોન બંધ કરી દેતાં અને છેલ્લે હોટેલમાં ઉતરેલો સુરતનો શખ્સ પણ ફોન બંધ કરી ભાગી જતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે હસનવાડી મેઇન રોડ પર ગિતાંજલી પાર્ક-૭માં રહેતાં અને યોગેશ્વર સોસાયટી અટિકા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ગણેશ બ્રાસ વર્ક નામે કારખાનુ ધરાવતાં ડેનીશ ધનજીભાઇ મુંગરા (ઉ.૨૪) નામના પટેલ યુવાનની ફરિયાદ પરથી વિનાયક ટ્રેડર્સના માલિક રજનીભાઇ અજુડીયા અને તેના મળતીયાઓ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦,૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ડેનીશે ફરિયાદમાં જણાવ્યું છે કે હું ૬/૮ના રોજ ધંધાના કામે કારખાને હતો ત્યારે  એક વ્યકિતએ ફોન કરી જણાવ્યું હતું કે હું સુરતથી વિનાયક ટ્રેડર્સના માલિક રજનીભાઇ અજુડીયા બોલુ છું. એ વખતે મેં મારાો માલ સામાન ગનમેટલ, બુશ વેંચવાની વાત કરી હતી. ત્યારબાદ ફોન પર વાત થયા પછી ઓર્ડર મુજબનો માલ તૈયાર કરાવ્યો હતો. રજનીભાઇને ૬/૯ના રોજ ગનમેટલ બુશ નંગ ૧૮૯૫ રૂ. ૩,૬૬,૮૫૭ના મવડી ચોકડીના પ્રમુખરાજ ટ્રાવેલ્સની ઓફિસ છે ત્યાંથી મોકલ્યા હતાં. એ પછી  ૯/૯ના રોજ ગનમેટલ બુશ નંગ ૧૬૬૨ રૂ. ૩,૧૬,૦૫૧ના માલનો તેણે ફરીથી ઓર્ડર આપ્યો હતો.

ત્યારબાદ રજનીભાઇ રાજકોટ આવ્યા હતાં અને કેનાલ રોડ પર સમ્રાટ હોટેલમાં રોકાયા હતાં. તેણે ફોન કરી કહેલ કે હું હોટેલમાં છું ઓર્ડર મુજબનો માલ આપી જાવ અને તમારા પૈસા લઇ જાવ. જેથી હું અને મારો પિત્રાઇ ભાઇ ત્યાં ગયા હતાં અને ૧૬૬૨ ગન મેટલ બુશનો સામાન આપ્યો હતો. એ પછી રજનીભાઇ પાસે પૈસા માંગતાં તેણે કહેલ કે પૈસા મારા ભાઇ ભાવેશભાઇ આપશે. તેમ કહી ભાવેશભાઇ સાથે વાત કરતાં તેણે કહેલ કે તમે મેટોડા કિશાન ગેઇટ પાસે ફોર્ચ્યુન કોમ્પલેક્ષ પાસે આવો તેમ કહેતાં અમે ત્યાં પહોંચ્યા હતાં અને ભાવેશભાઇને ફોન કરતાં તેણે હું નીકળી ગયો છું, વાવડી ફાલ્કન કંપની પાસે છું તેમ કહેતાં અમે ત્યાં ગયા હતાં. પરંતુ ત્યાં પણ ભાવેશભાઇ જોવા મળ્યા નહોતાં અને તેનો ફોન બંધ થઇ ગયો હતો.

ત્યારબાદ અમે રજનીભાઇને ફોન કરતાં તેણે વિશ્વાસ આપેલો કે તમે સંદિપભાઇ સાથે વાત કરો એ પસ આપશે, તેમ કહી એક નંબર આપતાં તેના પર વાત કરતાં સંદિપભાઇએ મવડી ચોકડી રાધીકા રેસ્ટોરન્ટ પાસે આવવાનું કહેતાં ત્યાં અમે બંને ભાઇઓ જતાં અને ફોન જોડતાં સંદિપભાઇના નામે વાતક રનારનો ફોન પણ સ્વીચ ઓફ થઇ ગયો હતો.

ફરીથી રજનીભાઇને ફોન જોડતાં તેનો ફોન પણ બંધ થઇ ગયો હતો. બીજા દિવસે તેનો ફોન આવ્યો હતો અને પેમેન્ટ બે-ત્રણ દિવસમાં આપી દેશે તેવી વાત કરી હતી. પરંતુ બાદમાં મને ખખબર પડી હતી કે મારા મિત્ર રાજેશભાઇ પેઢડીયા પાસેથી પણ દોઢેક મહિના પહેલા ૩૩ હજારના સબ મર્શિબલના બેરીંગ નંગ ૧૦૦૦ તથા બીજા મિત્ર વિમલભાઇ ગણેશભાઇ ખાત્રાણી પાસેથી પણ રૂ. ૪૫ હજારના ગનમેટલ બુશ આ રીતે લઇ જવાયા છે. આમ મારા તથા બે મિત્રો સાથે કુલ રૂ. ૭,૬૦,૯૦૮ની ઠગાઇ થઇ હોઇ અમે પોલીસને જાણ કરી હતી. રાજકોટના ભકિતનગર પોલીસના પી.આઇ. વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ ગુનો દાખલ કરી પીએસઆઇ આર. એન. સાંકળીયા દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

રાજકોટ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..