Back

પંચમહાલ જિલ્લામાં ‘નમામિ દેવી નર્મદે’ મહોત્સવની ઉમંગભેર ઉજવણી

પંચમહાલ.ગોધરા

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી

    ‘નમામિ દેવી નર્મદે’ મહોત્સવની સમગ્ર પંચમહાલ જિલ્લામાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાકક્ષા સહિત નગરપાલિકા, તાલુકાઓમાં અને ગ્રામીણ વિસ્તારોમાં લોકોએ ઉત્સાહપૂર્વક મા નર્મદા ના જળના વધામણા કરી, પૂજન અને આરતી સાથે ગીતો અને ગરબાઓ રમી ઉજવણી કરી હતી. વધુમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના  જન્મદિવસને વધાવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. 

 ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમના ચેરમેન શ્રી ડી.ડી.પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના મહોત્સવની ઉજવણી  ભામૈયાના ત્રિમૂર્તિ મંદિર ખાતે કરવામાં આવી હતી. અધ્યક્ષ શ્રી ડી.ડી.પટેલ, જિલ્લા પ્રભારી સચિવ શ્રી મનોજ અગ્રવાલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ, ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજી, જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટિલ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યોએ ગોધરા તાલુકાના મોટી કાંટડી ગામેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરના  સ્થળે સરપંચ તેમજ ગ્રામજનો સાથે મળીને મા નર્મદાના નીરના વધામણા, પૂજન, નર્મદા અષ્ટકમ અને આરતી વિધિવત રીતે રીતે કર્યા હતા. પ્રસાદીરૂપે ઉપસ્થિત સૌને મેઘલાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ભામૈયાના ત્રિમૂર્તિ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં અધ્યક્ષ સ્થાનેથી શ્રી ડી.ડી.પટેલે ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે નર્મદા નદી ઉપર ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ ઊંચાઇ સાથે બંધાતા અને ચાલુ ચોમાસામાં પૂર્ણ સપાટીએ જળરાશિથી ભરાતા સરદાર વલ્લભભાઈ પટેલ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું સાકાર થયું છે. હવે ગુજરાતના ખેડૂતોને સિંચાઈના પાણીની ઉણપ નહીં રહે તેમજ ગુજરાત માટે દુષ્કાળ ભૂતકાળ બની જશે. 

શ્રી પટેલે વડાપ્રધાનશ્રીને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે હજારો વિધ્નો વચ્ચે પણ સરદાર સરોવર ડેમ પૂર્ણ થયો છે, અને જેનાથી આવનારા સમયમાં ગુજરાત હરિયાળું અને નંદનવન બની રહેશે. ગુજરાતના ખમીરનો આ પ્રચંડ વિજય છે. તેની સાથે જોડાયેલી લાગણીઓ આજે હર્ષ-પુલકિત થઈ છે, ત્યારે આપણે સૌ તેમાં પૂર્ણ આનંદ સાથે જોડાઈ મા નર્મદાના વધામણા કરીએ તેમ જણાવ્યું હતું. 

 આ પ્રસંગે જિલ્લા પ્રભારી સચિવ શ્રી મનોજ અગ્રવાલે આજના શુભ દિન અને ઘડીની  શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાતને સિંચાઈના પાણીની સાથે પીવાના પાણીની મોટી રાહત થઇ છે. તેમણે પાણીના સિંચાઈ, ઉદ્યોગ અને અંગત વપરાશ વિવેકપૂર્ણ રીતે કરવા સૂચન કર્યું હતું. 

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજપાલસિંહ જાદવ અને ગોધરાના ધારાસભ્ય શ્રી સી.કે. રાઉલજીએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા.

 ત્રિમૂર્તિ મંદિર ખાતેના સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા મા નર્મદાનું મહાત્મ્ય દર્શાવતા ગીતો અને ગરબાઓ રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં જળસંચયના કાર્યોમાં સહભાગી થયેલા દાતાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિવિધ એજન્સીઓનું મહાનુભાવોના હસ્તે શાલ ઓઢાડી પ્રશસ્તિ પત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. 

 આ પ્રસંગે મા નર્મદા ઉપર સરદાર સરોવર ડેમના નિર્માણના ઇતિહાસ-ગાથાને વર્ણવતી એક લઘુ ફિલ્મ નિદર્શન કરવામાં આવ્યું હતું. વધુમાં જિલ્લાની આંગણવાડીની સેવાઓને વધુ ઝડપી, કાર્યક્ષમ અને પરિણામલક્ષી બનાવવા માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર્તાઓને એન્ડ્રોઇડ મોબાઈલ ફોનનું મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાનુભાવો સહિત ઉપસ્થિત નાગરિકોએ  ગુજરાત અને દેશને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના અને સુપોષિત ગુજરાતના નિર્માણના શપથ લીધા હતા. કાર્યક્રમના અંતમાં શ્રી ડી.ડી.પટેલે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવાનો સંદેશ આપતા સ્વચ્છતા રથને પ્રસ્થાન કરાવીને જિલ્લામાં આ ઝુંબેશ આગળ ધપાવી હતી. વધુમાં મહાનુભાવોએ ગ્રીન ગુજરાતના સંકલ્પને દર્ઢ કરતા મંદિર સંકુલમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. 

સમગ્ર જિલ્લામાં કાર્યક્રમની શુભ શરૂઆત પ્રભાત ફેરીથી થઈ હતી. આ પ્રભાતફેરીમાં  સ્વચ્છતા સાથે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને નાબુદ કરવા અંગે જનજાગૃતિના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ગોધરા શહેરમાં આ માટે ત્રણ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ. જે. શાહ અને પોલીસ અધિક્ષક ડો. લીના પાટિલની આગેવાની હેઠળ શહેરમાંથી પ્લાસ્ટિકનો કચરો ઉપાડવામાં આવ્યો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ જોડાઈ હતી. 

મા નર્મદા મહોત્સવ ઉજવણીના કાર્યક્રમમાં કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણ, સરદાર પટેલ સહભાગી જળસંચય યોજના સમિતીના અધ્યક્ષ શ્રી સરદારસિંહ બારિયા, શ્રી અશ્વિનભાઈ પટેલ, પૂર્વ સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ સહિતના પદાધિકારીઓ અને શહેરી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ જ્યારે આભાર દર્શન જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે કર્યું હતું.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..