Back

પંચમહાલ જિલ્લામાં ૧૭મી સપ્ટેમ્બરે નમામી દેવી નર્મદે મહોત્સવ જન ઉમંગ સાથે ઉજવાશે

પંચમહાલ.

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી




ગુજરાતની જીવાદોરી મા નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ પૂર્ણ કક્ષાએ ભરાવાની ઐતિહાસિક ઘટનાનો મહોત્સવ નમામી દેવી નર્મદે  રાજ્યભરની જેમ પંચમહાલ જિલ્લામાં જન ઉમંગ સાથે આગામી તા.૧૭/૦૯/૨૦૧૯ના રોજ ઉજવાશે. 

આ ઉજવણી સંદર્ભે યોજાયેલી બેઠકના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરાએ જણાવ્યું હતું કે ગોધરાના ત્રિમંદિર ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમ સહિત સમગ્ર જિલ્લામાં આ મહોત્સવ યોજાશે. કાર્યક્રમની રૂપરેખા આપતા તેમણે  જણાવ્યું હતું કે આ ઉજવણી અંતર્ગત કાર્યક્રમના સ્થળોએ પ્રભાત ફેરી રૂપે “સ્વચ્છતા હી સેવા” રેલી તેમજ નદી, તળાવો કે ચેકડેમની સફાઈના કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ નર્મદા પૂજન અને સામૂહિક નર્મદા આરતી કરવામાં આવશે.  આ પ્રસંગે નર્મદા નદીનું માહાત્મ્ય દર્શાવતી એક ફિલ્મનું નિદર્શન કરવામાં આવશે. કાર્યક્રમમાં સુજલામ સુફલામ યોજના હેઠળ નદી-તળાવ ઉંડા કરવાની કામગીરીમાં યોગદાન આપનાર સ્વૈચ્છિક સંસ્થાઓનું પણ સન્માન કરવામાં આવશે. આ પળને હર્ષપૂર્વક વધાવવા માટે રાસ-ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વૃક્ષારોપણ કરી ગુજરાતને હરિયાળું બનાવવાની ઝુંબેશ આગળ ધપાવવામાં આવશે. કાર્યક્રમના અંતે ઉજવણીમાં સામેલ સૌને પ્રસાદરૂપે મેધલાડુનું વિતરણ કરવામાં આવશે.  

જિલ્લાભરમાં થનારી આ ઉજવણીના આયોજન અંગે માર્ગદર્શન આપતા કલેકટરશ્રીએ આ ગુજરાત માટે આનંદની આ પળની ઉજવણી તેમજ સ્વચ્છતા હી સેવા ઝુંબેશમાં જિલ્લાના સામાન્ય નાગરિકો, સામાજિક સેવા સંસ્થાઓ, વિદ્યાર્થીઓ, શ્રેષ્ઠીઓને વધુને વધુ ઉત્સાહથી મોટા પ્રમાણમાં જોડાય તે માટે સૂચનો કર્યા હતા. તેમણે કાર્યક્રમ સ્થળોએ બેઠક વ્યવસ્થા, વિજળી, પીવાના પાણી, સફાઈ,પાર્કિંગ અને વૃક્ષારોપણ સહિતની કામગીરીઓ બાબતે સંબંધિત અધિકારીઓને સૂક્ષ્મ માર્ગદર્શન આપ્યું હતું.  

જિલ્લા સેવા સદન ખાતે આયોજિત આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ, નિવાસી અધિક કલેક્ટર શ્રી એમ.એલ. નલવાયા સહિતના જિલ્લા સંકલનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.