Back

મુન્દ્રામાં રાષ્ટ્રભાષા હિન્દી દિવસ પર બ્રહ્માકુમારી દ્વારા દિવ્ય સંદેશ

પ્રકાશ ઠક્કર દ્વારા..

ભારતમાં 1953થી દર વર્ષે 14મી સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે મુન્દ્રાની સરસ્વતી વિદ્યા મંદિર અને સંસ્કાર હાઈસ્કૂલમાં બ્રહ્માકુમારી વિદ્યાલય સેવા કેન્દ્ર દ્વારા બાળકોને જીવનપર્યંત કામ આવે એવી મૂલ્યવાન વાતોની ઉદાહરણ દ્વારા સમજ આપીને તનાવમુક્ત જીવન જીવવાનો દિવ્ય સંદેશ આપવામાં આવ્યો હતો. જેમાં રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલદીદીએ પોતાની ભાવવાહી શૈલીમાં બાળકોને નિરાશા, ભય, નકારાત્મક વિચારો અને વ્યસનોથી દૂર રહીને સદાય આશાવાદી અને ખુશ રહેવાની શીખ આપી હતી.

સકારાત્મક મન સફળતા લાવે છે અને નકારાત્મક મન સફળતાને આડે આવે છે એમ બ્રહ્માકુમાર અમોદભાઈએ ગાણિતીક ઉદાહરણ દ્વારા સમજ આપીને મનમાં રહેલ અખૂટ શક્તિઓને ઓળખવાની સમજ આપી હતી.

આંતરરાષ્ટ્રીય બ્રહ્માકુમારી સંસ્થાનો પરિચય આપીને વરસાદ બાદ મેલેરિયા, ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગો ન ફેલાય તે માટે રતાડીયા આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર અને બ્રહ્માકુમાર વિનોદભાઈ દ્વારા તકેદારીરૂપે લેવાના પગલાંઓની સમજણ આપી હતી.

બાળકોને જીવનોપયોગી કાર્યક્રમ આપવા બદલ સરસ્વતી વિદ્યા મંદિરના આચાર્ય ધર્મિષ્ઠાબેન પટેલ તથા સંસ્કાર હાઈસ્કૂલના આચાર્ય નિકિતાબેન જોષીએ આધ્યાત્મિક પુસ્તકોનો સાભાર સ્વીકાર કરીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..