Back

પંચમહાલ જિલ્લાના મલાવ ખાતે મહિલા નેતૃત્વ દિવસ અને સ્તનપાન સપ્તાહની ઉજવણી

પંચમહાલ.ગોધરા

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી

કૃષિ(રાજ્યકક્ષા),પંચાયત,પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મલાવ ગામે આવેલા કૃપાલુ સમાધિ મંદિર ખાતે મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસ અને સ્તનપાન સપ્તાહ ઉજવણીનું દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કર્યું હતું. 

મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે મહિલા સશક્તિકરણની દિશામાં રાજ્ય સરકારે નક્કર આયોજન કર્યું છે. રાજ્યમાં આ ક્ષેત્રે દીવા દાંડીરૂપ કામગીરી થઈ રહી છે. મહિલાઓ આત્મનિર્ભર બને તેમજ સમાજમાં મહિલાઓનું દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ જળવાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. છેલ્લા પાંચ વર્ષથી રાજ્યમાં સામાન્ય અંદાજ પત્ર સાથે “જેન્ડર બજેટ” પણ તૈયાર કરવામાં આવે છે. આ બજેટ મહિલાઓને વિકાસના તમામ ક્ષેત્રે મુખ્ય પ્રવાહમાં લાવવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવતી મહિલાલક્ષી નાણાકીય ફાળવણી છે. તેમણે વધુમાં ચાલુ વર્ષના જેન્ડર બજેટમાં ગત વર્ષ કરતા રૂા.૧૦૩૮ કરોડના વધારા બાબતે અને ૧૧૪ મહિલાલક્ષી યોજનાઓના વધારા અંગે વિગતે જણાવ્યું હતું. 

મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે હાલમાં રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અમલી બનાવવામાં આવેલી નવી વહાલી દિકરી યોજના વિશે જણાવ્યું હતું કે સંવેદનશીલ રાજ્ય સરકારે દિકરીઓના જન્મદરમાં વધારો કરવા તેજમ બાળલગ્ન પ્રથા અટકાવવાના હેતુથી આ યોજના અમલમાં મૂકી છે. કુટુંબના પહેલા બે બાળકો પૈકીની દિકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. યોજના અંતર્ગત દિકરીના પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂા.૪૦૦૦, નવમાં ધોરણમાં આવે ત્યારે બીજા રૂા.૬૦૦૦ અને ૧૮ વર્ષની વય વટાવે ત્યારે તેને રૂપિયા એક લાખ આપવામાં આવશે. આ યોજનાનો લાભ વાર્ષિક રૂપિયા બે લાખ સુધીની આવક ધરાવતા પરિવારને મળશે. 

મંત્રીશ્રીએ સ્તનપાન અંગે સમાજમાં જાગૃતિ વધે તે માટે સ્તનપાન સપ્તાહની ઉજવણી અંગે જણાવતા કહ્યું હતું કે જો બાળક સ્વસ્થ હશે તો જ સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકશે. શિશુ માટે માતાના દૂધનું મહત્વ ઘણું છે. જન્મતા દરેક બાળક માટે માતાનું દૂધ સંજીવની સમાન છે અને તેને દરેક રોગોના રક્ષણ સામે પૂરતું કવચ પૂરૂ પાડે છે. તેમણે ૧૦૮ની સેવા, મા અમૃતમ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના અંગે ઉપસ્થિતોને જાણકારી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે. શાહે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે વિશ્વભરમાં માતા-મરણ અને બાળમૃત્યુદર ઘટાડવા માટે ગંભીરતાપૂર્વકના પ્રયાસો થઈ રહ્યા છે અને બાળમૃત્યુદર ઘટાડવામાં અને બાળકની રોગપ્રતિકારક શક્તિ જીવનભર મજબૂત રાખવામાં માતાના ધાવણની ભૂમિકા ઘણી અગત્યની છે. તે અંગે સમાજમાં જાગૃતિ આવે તે માટેના વહીવટીતંત્રના પ્રયાસોમાં સહકાર આપવા તેમણે ઉપસ્થિત સૌને અપીલ કરી હતી. 

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, જિલ્લા કલેકટર શ્રી ઉદિત અગ્રવાલ, કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય સુશ્રી નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતિ રશ્મિકાબેન પટેલ અને સુશ્રી કેતુબેન દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..