Back

મુન્દ્રા તાલુકામાં પાણીજન્ય તથા વાહકજન્ય રોગચાળાને નાથવા આરોગ્ય તંત્ર દ્વારા સમિક્ષા બેઠક યોજાઈ

મેલેરિયા, ડેન્ગ્યુ અને કોન્ગો જેવા રોગોથથી બચવા લોકોએ જાતે જાગૃત થવું જરૂરી

તાલુકા આયોજનની બેઠકમાં માતા અને બાળ મરણ અટકાવવા કુપોષણ, બ્લડ બેંક, ડોકટર્સની જગ્યા ભરવા અંગેના મુદ્દાઓ ચર્ચાયા

ગુજરાતના આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલ મીટીંગ બાદ જીલ્લાકક્ષાએ યોજાયેલ મીટીંગમાં તાલુકા આરોગ્ય અધિકારીઓને મળેલ સૂચનના અનુસંધાને મુન્દ્રામાં વરસાદ બાદ ફેલાતા પાણીજન્ય ઝાડા, ઉલ્ટી જેવા રોગો અને રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વાહક મચ્છરો ઘ્વારા ફેલાતા રોગો જેવા કે મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયા, ફાઈલેરીયાના નિયંત્રણ માટે વહેલુ નિદાન અને ત્વરીત સારવાર અંતર્ગત સર્વેલન્સની કામગીરી સઘન બનાવવા આરોગ્ય કર્મચારીઓને તાકીદની બેઠક બોલાવીને કડક ચુચનાઓ આપવામાં આવી હતી. મુન્દ્રા તાલુકામાં વાહકજન્ય કે પાણી જન્ય રોગચાળો ના ફેલાય અને લોકો બિમારીની ગર્તામાં ના ધકેલાય તે માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા રોગ સામે રક્ષણ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે લોકજાગૃતિ અને સ્વચ્છતા પણ એટલી જ જરૂરી છે.

મેલેરિયા મુકત ગુજરાતનો લક્ષ્યાંક હાંસલ કરવા એક રાજય વ્યાપી અભિયાન અંતર્ગત આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે સર્વે કરી નિદાન, સારવાર, ડોર ટુ ડોર ઈન્ટ્રાડોમેસ્ટીક સર્વે કરી એન્ટીલાર્વલ કામગીરી શરુ કરવામાં આવી છે જેમાં સહકાર આપીને લોકોએ પોતે જ જાગૃત થઈને પાણીના પાત્રો, અગાસીની ટાંકી વગેરે ઢાંકીને રાખવા, તેમજ બિનવપરાશી ટાયર અને કાટમાળનો નિકાલ કરવા, પક્ષીકુંજ નિયમિત સાફ કરવા, ફ્રીઝની ટ્રેની નિયમિત સફાઈ કરી મચ્છર જન્ય રોગો સામે લડવા માનવ જાત જાગૃત થશે તો જ આવા ઘાતક રોગોથી બચી શકાશે તેમ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ગિરિવર એસ. બારિઆએ જણાવ્યું હતું.

 

મેલેરિયા એક પ્રકારના જીવાણુથી થતો રોગ છે. એમાં તાવ આવે, ઠંડી ચડી જાય, પરસેવો થાય, માથું દુઃખે, શરીર દુઃખે, ઊબકા આવે અને ઊલટી થાય, પરસેવા સાથે તાવ ઉતરી જાય. જયારે  ડેન્ગ્યુ રોગમાં અચાનક સખત તાવ આવવો, લમણામાં દુખાવો થવો, છાતી તથા હાથ પર ઓરી, અછબડા જેવા દાણા દેખાવા, સમયસરની સારવાર લેવામાં ના આવે તો દર્દી બેભાન થાય અને મૃત્યુ પણ સંભવી શકે છે. સારવાર માટે શકય ત્વરાએ નજીકના દવાખાને અથવા સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવો, ચીકનગુનિયામાં  તાવ આવે, સાંધાનો દુખાવો થાય, માથાનો દુખાવો, હાથપગમાં સોજા ચઢે, સમયસર સારવાર ના લેવાય તો દર્દી મહિનાઓ સુધી દુખાવા પીડીત રહે છે. આમ મેલેરીયા, ડેંગ્યુ અને ચિકનગુનિયા મચ્છરથી ફેલાતા રોગ હોય મચ્છરથી બચવા શકય તેટલા પ્રયાસ કરવા એ પ્રાથમિક આવશ્યકતા છે. મચ્છર ઉત્પતી ના થાય તે માટે મચ્છર ઉત્પતી સ્થળને નિવારવા, ગપ્પી માછલી દ્વારા મચ્છરનાં લાર્વાનાં વીકાસને રૂંધી મચ્છર ઉત્પતી અટકાવીએ, મચ્છરદાનીમાં સુવાનું રાખીએ, તથા પાણી જન્ય રોગો જેવાકે ઝાડા ઉલ્ટીથી બચવા ઉકાળેલું પાણી પીવાનું રાખીએ એ જ જાગ્યા ત્યારથી સવાર લેખાશે અને પહેલુ સુખ તે જાતે નર્યાની ઉકતી સાર્થક કરવા પ્રથમ સોપાન પાર કર્યુ ગણાશે, તેમ ડૉ.બારિઆએ એક યાદીમાં જણાવ્યું હતું.

તાલુકા વિકાસ અધિકારી એમ. જી. વાયડાની અધ્યક્ષતામાં યોજાયેલ આયોજન પંચની મીટીંગમાં માતા અને બાળ મરણ ઘટાડવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તાલુકામાં ખાલી પડેલ ડોક્ટર્સની જગ્યાઓ તાત્કાલિક ભરાય, બ્લડ બેંકની દરખાસ્ત કરવા તથા કિશોરાવસ્થાથી જ કુપોષણ અને લોહતત્વની ખામી નિવારવાના પ્રયત્નો હાથ ધરાય તે અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કલેકટર કચેરીના ચેતનસિંહ ગોહિલ, તાલુકા શિક્ષણાધિકારી હરેશ પટેલ, બાળ વિકાસ અધિકારી જશવંતીબેન ચાવડા તથા આરોગ્ય ખાતાના હરિભાઈ જાટીયા અને પ્રકાશ ઠકકર હાજર રહ્યા હતા.

ઉપરાંત તાજેતરમાં ગુજરાતમાં જોવા મળેલ કોન્ગો ફીવર દેખાતા તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં છેલ્લે પાંચ વર્ષ અગાઉ તાલુકાના વડાલા, રતાડીયા, લુણી, લાખાપર અને બેરાજામાં આ રોગ જોવા મળેલ. કોન્ગો ફીવરએ પશુઓમાં જોવા મળતી ઇતરડી કરડવાને કારણે ફેલાતો વાયરસ જન્ય રોગ છે જેમાં તાવ આવવો, ચક્કર, ઝાડા, ઉલ્ટી, માથાનો દુખાવો, આંખોમાં બળતરા, શરીર પર લાલ ચકામા અને શરીરના છિદ્રોમાંથી લોહી આવવું જેવા લક્ષણો જોવા મળે કે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં નિદાન કરાવીને સારવાર લેવી જોઈએ. કોન્ગો ફીવરના વાયરસ ઘેટા, ઢોર અને બકરા જેવા સ્થાનિક પ્રાણીઓમાં જોવા મળે છે. પરંતુ પ્રાણીઓમાં આ રોગના લક્ષણો જોવા મળતા નથી. આ રોગના વાયરસનો મનુષ્યમાં ફેલાવો ઇતરડી(ટીક)ના કરડવાથી અથવા ચેપગ્રસ્ત પ્રાણીના રક્ત કે પેશીઓના સંપર્કમાં આવવાથી થાય છે, મોટા ભાગના પશુધન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો જેવા કે ખેડૂત, પાંજરાપોળ અને કતલખાનામાં કામ કરતા અને પશુચિકિત્સકોને આ રોગ લાગવાનો ભય હોય છે. તાલુકા પશુ ચિકિત્સક ડૉ. નુરુદીન નાથાણીએ પશુઓમાં રહેલ ઇતરડીનો નાશ ત્રણ પ્રકારે કરવામાં આવતો હોવાની માહિતી આપીને વધુમાં  જણાવ્યું હતું કે ઈતરડીનાશક દવાનો જથ્થો તાલુકાના ભદ્રેશ્વર, પત્રી, ભુજપુર, રામાણીયા અને તાલુકા પંચાયત મધ્યે આવેલ પશુ દવાખાનામાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને હવે તો પશુપાલકોમાં પણ આ અંગે જાગૃતિ આવી જતાં તે સામેથી દવાખાનામાં આવીને દવા લઈ જતા હોય છે એમ જણાવ્યું હતું.                                                                                             

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..