Back

હડમતિયામાં કોમી એકતાના દર્શન : કૃષ્ણ રથના સારથી બન્યા મુસ્લિમ બિરાદર

“નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી”ના જયઘોષ સાથે કૃષ્ણ જન્મોત્સવની ભાવભેર ઉજવણી હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયામાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા કૃષ્ણભક્તો તથા ગ્રામજનો દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનના રથને શણગારી ગલીઅે ગલીઅે શોભાયાત્રા કાઢવામા આવી હતી. “તુમ હી હો સખા, તુમ હી હો બંધું” આશ્ચર્ય પમાડે તેમ સૌ કોઈ ગ્રામજનોની નજર બસ ભગવાનના રથના સારથી બનેલા મુસ્લિમ બિરાદર કાસમભાઈ પર જ હતી. કાસમભાઈ છેલ્લા બે વર્ષથી પોતાના ટ્રેક્ટરમાં ભગવાન શ્રીકૃષ્ણની શોભાયાત્રામાં રથ પોતે જ ચલાવે છે અને તેના પિતા સુલેમાનભાઈ સંધી નિવૃત્ત આર્મી મેન છે કાસમભાઈનો પરિવાર હંમેશા રાષ્ટ્રને સમર્પિત રહી કોમી એખલાસની સુગંધ પ્રસરાવવામાં અગ્રેસર છે. ત્યારે ભગવાનના રથનું પ્રસ્થાન કરી કાસમભાઈઅે હિન્દું-મુસ્લિમ અેક્તાના દર્શન કરાવતા જોવા મળ્યા હતા. ત્યારબાદ ગોકુળ (હડમતિયા ) ના રામજી મંદિર ચોકમા સવારથી જ શ્રીકૃષ્ણ ભક્તોની રાસે રમવા ભીડ જામી હતી. ત્યારે ગલીઅે ગલીઅે રથયાત્રા ફરીને ચોકમા આવતા જ ગગનભેદી નાદ સાથે “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી” ના જયઘોષના નાદ સાથે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. રાજા રણછોડના જન્મોત્સવની ઉજવણી રાત્રે ૧૨:૦૦ કલાકે શંખનાદની સાથે મહાઆરતી કરી શ્રીકૃષ્ણ જન્મના વધામણા કરાશે શ્રીકૃષ્ણના મંદિરમાં ભાવિકોની ભીડ જામશે. “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી-ઘોડા-પાલખીના” ના જયઘોષ સાથે મધરાત્રીઅે આભ પણ ગુંજી ઉઠશે.પૌરાણિક માન્યતાઓ અનુસાર ભારતમાં સમસ્ત અવતારોમાં વિષ્ણુના પૂર્ણ અવતાર મનાતા ભગવાન શ્રીકૃષ્ણનું ચરિત્ર જેટલું ચર્ચાસ્પદ રહ્યું છે, એટલું બીજા કોઈ દેવનું રહ્યું નથી. ભગવાન શ્રીકૃષ્ણનું નટખટ બાળપણ ચપળતાથી પરિપૂર્ણ હતું તો યુવાવસ્થા શૃંગાર રસથી તરબોળ, એક તરફ રાધા સાથે એકનિષ્ઠ પ્રેમ અને બીજી બાજુ ગરીબ બ્રાહ્મણ મિત્ર સુદામાથી અપાર સ્નેહની લાગણી. ભગવાન શ્રીકૃષ્ણ વિશે દેવીપુરાણની એક કથામાં એવો ઉલ્લેખ છે કે એક વખત શકિતનું પ્રતિક મહાકાળીએ ભગવાન શંકર સમક્ષ એમની ઈચ્છા પ્રગટ કરી, હું પુરુષ રૂપ લઈ તમારી સાથે પ્રેમ કરવા માંગું છું. એમનો આ પ્રસ્તાવ સાંભળીને ભગવાન શિવે એમની ઈચ્છા દ્વાપરયુગમાં પુરી થશે એવા આશિર્વાદ આપ્યા હતા આ કથાના અનુસંધાને માતા મહાકાળીએ દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર ધારણ કર્યો અને ભગવાન શંકરે રાધાના સ્વરૂપે એમની પ્રેમ સખી બનીને અવતાર લીધો હોવાનું પણ મનાય છે. પાંચ હજાર વર્ષો પછી પણ શ્રીકૃષ્ણનો જન્મોત્સવ અેટલા જ ઉત્સાહ અને પ્રેમથી આજે પણ ભક્તો ઉજવી રહ્યા છે તેનું કારણ પ્રેમ સ્વરુપ શ્રીકૃષ્ણનું સ્મરણ જ છે. શ્રીકૃષ્ણનો પ્રેમ સૌને માટે હતો. શ્રીકૃષ્ણની વાત નીકળે અને પ્રેમની વાત ન થાય તો તે વાત અધુરી ગણાશે શ્રીકૃષ્ણનો પ્રેમ સૌ માટે હતો અને ભેદભાવ વગરનો હતો. સુર્યના કિરણો જેમ ગુલાબના પુષ્પ પર પણ પડે અને ઉકરડા પર ઉગતી વનસ્પતી પર પણ અેક સરખો જ પડે છે. શ્રીકૃષ્ણનો પ્રેમ રાધાજીથી લઈને રુક્ષ્મણી સુધી અને દ્રૌપદીથી લઈને કંસને ફુલહાર પહોંચાડનાર દિવ્યાંગ મહિલા સુધી અસિમિત હતો. શ્રીકૃષ્ણના કારણે હજારો લોકોના જીવનમાં વસંત પાંગરી હોય તેમ આજે પણ જોવા મળે છે. જુદા જુદા સંબંધોથી બંધાયેલા હોય તેવા અેકમાત્ર શ્રીકૃષ્ણ ભગવાન હશે શ્રીકૃષ્ણના અનેક નામની સાથે સંબંધોથી ભક્તો જોડાયેલા છે કોઈના માટે તે પુત્ર છે, કોઈના માટે પ્રેમી, કોઈના માટે મિત્ર, કોઈના માટે ફિલોશોફર, કોઈના માટે ગાઈડ, કોઈના માટે લિડર, કોઈના માટે યોદ્ધા, તો કોઈના માટે પોલિટિશિયન, કોઈના માટે સ્વજન આમ ભગવાન શ્રીકૃષ્ણ સર્વસ્વ છે અેટલા માટે જ કદાચ સૌના લોકહ્દયમાં બિરાજ્યા છે. પોતે મનુષ્યરુપે જન્મ લઈ મનુષ્યની માફક જ વિદાય લીધી. જનસમુદાયે તેમના અનેક કાર્યોને જોયા અને તેમને ભગવાન બનાવી દીધાના દાખલારુપે આજે પણ ભારતવર્ષમાં તેમનો જન્મોત્સવ ઉજવી રહ્યા છે.DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..