Back

મુંદ્રાના સાડાઉ ખાતે તાલુકાકક્ષાનો ૧૫મો ખરીફ કૃષિ મહોત્સવ યોજાયો

પ્રકાશ ઠક્કર દ્વારા ....

 

ખેડૂતોને વૈજ્ઞાનિક અને આધુનિક પદ્ધતિથી ખેતી કરી આર્થિક રીતે સમૃદ્ધ બને તે માટે રાજ્યવ્યાપી કૃષિ મહોત્સવ ૨૦૧૯ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના સાડાઉ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના ૧૫માં ખરીફ કૃષિ મહોત્સવને પ્રાંત અધિકારી ડૉ. અવિનાશ વસ્તાણી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષા છાયાબેન ગઢવી, તાલુકા પંચાયતના પ્રમુખ દશુબા નટુભા ચૌહાણ, મામલતદાર યશોધર જોષી, તાલુકા વિકાસ અધિકારી એમ.જી.વાયડા, એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા તથા સીડીપીઓ યશવંતીબેન ચાવડાના હસ્તે દીપ પ્રાગટય કરીને ખુલ્લો મુકવામાં આવેલ.

 

કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિલેષ પટેલ દ્વારા બદલાતા હવામાનમાં ખેતી કેમ કરવી તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જ્યારે જયદીપ ગોસ્વામીએ બાગાયત પાક અંગે અને વિસ્તરણ અધિકારી (ખેતી) શામજી રોશિયાએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે વધુ પ્રકાશ પાડતા જણાવેલ કે ખેડૂતો માટે જમીનની મર્યાદા દૂર કરવામાં આવી હોવાથી હવે નાના મોટા તમામ ખેડૂતો ઓન લાઈન અરજી કરી શકશે અને દર વર્ષે તેમને સહાયની રકમના ૬૦૦૦/- રૂપિયા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે તેવી માહીતી આપી હતી. પશુપાલન અધિકારી ડૉ. નુરુદિન નાથાણીએ પશુ સંભાળ માવજતની વાત કરીને આઈ ખેડૂત પોર્ટલ પર ઓન લાઈન અરજી કરવા અનુરોધ કરેલ. શ્રીમતી છાયાબેન ગઢવીએ વધુ વૃક્ષો વાવેતરની હિમાયત કરી હતી. સાથે મુન્દ્રા કિસાન સંઘ દ્વારા ખેડૂતલક્ષી મૌખિક રજૂઆતો પણ કરવામાં આવેલ.

 

તાલુકાના સોલાર, જળ સંચય, ગોબર ગેસની કામગીરી કરતા ૫ પ્રગતિશીલ ખેડૂતોને મહાનુભાવોના હસ્તે સન્માનપત્ર આપવામાં આવેલ. સેમિનારમાં ખેતી, પશુપાલન, બાગાયત, આરોગ્ય, બ્રહ્માકુમારીઝ, આઇસીડીએસ, ફોરેસ્ટ તથા ખાનગી કંપનીઓના ૨૦ જેટલા સ્ટોલ મારફતે આધુનિક ખેત ઓજારોનું પ્રદર્શન અને યોજનાકીય માહિતીનું સાહિત્ય આપવામાં આવેલ જેની પ્રાંત અધિકારી ડૉ. એ.કે.વસ્તાણી સહિતના મહાનુભવોએ મુલાકાત લઈને માહિતી મેળવેલ. આરોગ્ય વિભાગ દ્વારા શારીરિક સ્વાસ્થ્ય કેમ્પ તથા બ્રહ્માકુમારીઝ દ્વારા માનસિક સ્વાસ્થ્ય કેમ્પ રાખવામાં આવેલ. આઇસીડીએસના પ્રતિમાબેન અને આશાબેન ગોરના માર્ગદર્શન હેઠળ પૌષ્ટિક વાનગી પ્રદર્શન રાખવામાં આવેલ. પશુ પાલન વિભાગ દ્વારા ધ્રબ ગામે પશુ સારવાર કેમ્પ રાખવામાં આવેલ. 

 

કાર્યક્રમમાં મુન્દ્રા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ચાંપસી સોધમ, મીઠુંભાઈ મહેશ્વરી સહિત તાલુકા પંચાયતના સદસ્યો, અધિકારીઓ, પદાધિકારીઓ, ગુંદાલાના સરપંચ જયેશ આહિર, ધ્રબના સરપંચ અબ્દ્રેમાન તુર્ક સહિત સરપંચઓ, તલાટી, ગ્રામસેવક, આરોગ્ય કર્મચારીઓ તથા આંગણવાડી કાર્યકરો અને બહોળી સંખ્યામાં ખેડૂતો તથા ગ્રામજનો હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વાય. વી. પટેલ અને વિસ્તરણ અધિકારી (ખેતી) એસ. પી. રોશિયા દ્વારા કરવામાં આવેલ. આભારવિધિ એસટીએલ ભુજ મદદનીશ ખેતી નિયામક કે. વી. પટેલ દ્વારા કરવામાં આવી હતી.

 

 

મુંદ્રા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..