Back

પાટણ જિલ્લા ના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા ચૂંટણી અધિકારી દ્રારા અપીલ.

માહિતી બ્યુરો, પાટણ  

૩-પાટણ લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯

પાટણ જિલ્લાના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા અપીલ 

દિવ્યાંગ મતદારો મતદાન કરી શકે તે માટે ચૂંટણીતંત્ર દ્વારા વાહનોની વ્યવસ્થા કરાઈ

પ્રજ્ઞાચક્ષુ મતદારો પણ ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થઈ શકે તે માટે વિશેષ પ્રયાસ

લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી ૨૩મી એપ્રિલના રોજ યોજાનાર છે. ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર લોકસભાની ચૂંટણીઓમાં વધુમાં વધુ લોકો મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લાના ચૂંટણીતંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.

મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત શાળા-કોલેજો ખાતે મતદાર સાક્ષરતા ક્લબ, મતદાન મથક કક્ષાએ ચુનાવ પાઠશાળા , વોટર અવેરનેસ ફોરમ, મતદાર જાગૃતિ રેલીઓ, શપથ-સંકલ્પ પત્રનું વિતરણ, સહી ઝુંબેશ, ઈવીએમ વીવીપેટ નિદર્શન તથા મોકપોલ જેવા અલગ અલગ માધ્યમો દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે. તદુપરાંત મતદાર માર્ગદર્શિકા, મતદાર ફોટો ઓળખપત્રના વિતરણ દ્વારા મતદારોને તેમની મતદારયાદીની વિગતો, મતદાન મથક સ્થળની વિગતો, બુથ લેવલ ઑફિસરની વિગતોથી અવગત કરાવવામાં આવેલ છે. 

ભારતના ચૂંટણી પંચના સુગમ નિર્વાચનના હેતુને સિદ્ધ કરવા માટે દિવ્યાંગ મતદારોને મતદાન કરવામાં પડતી મુશ્કેલીઓ સંદર્ભે આ વખતની ચૂંટણીઓમાં વ્હીલચેર, મતદાર સહાયક ઉપરાંત દિવ્યાંગ મતદારોને તેઓના રહેણાંકના સ્થળેથી તેમના મતદાન મથક ખાતે લાવવા તથા પરત લઈ જવા માટે વાહનની વ્યવસ્થા પણ ચૂંટણી તંત્ર દ્વારા પુરી પાડવામાં આવનાર છે. પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઈલ લીપીમાં તૈયાર કરવામાં આવેલ બેલેટ પેપર, મતદાર માર્ગદર્શિકા, ફોટો ઓળખપત્ર તથા ફોટો મતદાર કાપલીનું વિતરણ પણ કરવામાં આવેલ છે કે જેથી તેઓ પણ ચૂંટણી પ્રક્રિયામાં સંપૂર્ણ સહભાગીતા નોંધાવી શકે અને વધુમાં વધુ મતદાન કરી શકે. 

પાટણ જિલ્લાના તમામ મતદારોને તા.૨૩/૦૪/૨૦૧૯ ના રોજ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અને વધુમાં વધુ મતદાન કરવા માટે ચૂંટણી અધિકારીશ્રી, ૩-પાટણ સંસદીય મતવિસ્તાર અને કલેક્ટરશ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આનંદ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવેલ મતદાર જાગૃતિની તમામ કામગીરીનો ખરો ઉદ્દેશ ત્યારે જ સિદ્ધ થશે જ્યારે મતદારો તેમના મતદાર તરીકેના અધિકારનો ઉપયોગ કરશે.

...............................

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..