Back

હિંમતનગરના રાજપુર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો ત્રિવિધ કાર્યક્ર્મ યોજાયો.

    હિંમતનગરના રાજપુર ખાતે પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વેટનરી ગર્લ્સ હોસ્ટેલનુ ભૂમિ પૂજન, અત્યાધુનિક પશુ શિક્ષણ ભવનનુ લોકાર્પણ તેમજ ડિપ્લોમાના ૧૬૯ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયતનો ત્રિવિધ  કાર્યક્રમ  યોજાયો હતો.

      આ કાર્યક્રમમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતનો દુધ ઉત્પાદન ક્ષેત્રે દેશમાં ચોથો નંબર છે. ગુજરાતમાં ખેતીની સાથે પૂરક વ્યવસાય તરીકે પશુપાલનના વ્યવસાયને સ્વીકાર્યો છે ત્યારે પશુપાલનની પુરક વ્યવસાય નહીં પરંતુ મુખ્ય વ્યવસાય તરીકે પણ સ્વીકારવામાં આવે તો ક્ષેત્રે અનેક ઉજળી તકો રહેલી છે. આ વ્યવસાય માં નોકરી કરતાં વધુ ઉપાર્જન મેળવી શકાય છે. આવનારા ભવિષ્યમાં ડેરી અને પશુપાલન ક્ષેત્રે અનેક તકો રહેલી છે આ તકોને ઓળખીને આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગળ વધે અને આર્થિક ઉપાર્જન કરી શકે સાથે ખેડૂતો અને પશુપાલકોને મદદરૂપ બની દેશના વિકાસમાં સહભાગી બની શકે તેવી ઉજ્જવળ તકો આ ક્ષેત્રમાં રહેલી છે. આ યુનિવર્સિટીના માધ્યમથી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના પશુપાલકને તેમના પશુ સંવર્ધનમાં મદદરૂપ થઈ પશુપાલકોના આર્થિક વિકાસનો વિચાર કરી વર્ષ ૨૦૦૯ માં આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.

     મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આ યુનિવર્સિટી દ્વારા તાલીમ પામેલ વિદ્યાર્થીઓ આવતીકાલથી પશુ ચિકિત્સકોની સાથે સહાયક  બની એક ભગીરથ સેવાકાર્યમાં જોડાશે. આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મૂંગા પશુઓની સેવા માટે કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ યુનિવર્સિંટી દ્રારા નવા સંશોધનો જેવા ક્રોસ બ્રીડિંગ અને સેક્સ સીમિન દ્રારા દૂધના ઉત્પાદનમાં વધારો થાય જેનો લાભ ગુજરાતનો છેવાડાનો પશુપાલક પણ લઈ શકે તેવા પ્રયત્નો સરકાર દ્રારા કરવામાં આવી રહ્યો છે.

    આ પ્રસંગે પશુપાલક નિયામકશ્રી ગુજરાત રાજ્ય ડૉ. ફાલ્ગુની  ઠાકરે  પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું કે, આ યુનિવર્સિટી દ્રારા પશુપાલન વ્યવસાયને વધુ સુદ્રઢ કરવાના પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. આ યુનિવર્સિટીને ૧૦ વર્ષ પૂર્ણ થયા છે સાથે આ યુનિવર્સિટીની છઠ્ઠી બેચ છે જેને આ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવી રહ્યા છે. આ વિધાર્થીઓ આવતી કાલથી પોતાના ફિલ્ડમાં જઈ પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કેવી રીતે કરી શકાય તે વિશે માર્ગદર્શન આપી પશુપાલન ક્ષેત્રને નવી દિશા ચિંધશે.  

   કામધેનુ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. એન.એચ.કેલાવાલાએ  વિધાર્થીઓને સમાજ ઉપયોગી અને પશુપાલકોના હિતેચ્છિ બની આ ક્ષેત્રમાં કામ કરવા અને મૂંગા પશુઓની સેવા કરી પોતાના શિક્ષણને સમાજ ઉપયોગી બનાવવા જણાવ્યું હતું.

     આ પ્રસંગે કામધેનુ યુનિવર્સિટીના ડૉ. પી.એચ. વાટલિયા, ડો. ભાવિક પટેલ, સંશોધન નિયામક કામધેનુ યુનિવર્સિટી ડૉ. ડી.બી. પાટીલ, શ્રી મનિષ ગુપ્તા, હિંમતનગર મામલતદાર શ્રીતરાર, જિલ્લા પશુપાલક નિયામક, કામધેનુ યુનિવર્સિટીનો સ્ટાફ, આસ-પાસના ગામડાના સરપંચો, યુનિવર્સિટીના વિધાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં પશુપાલકો હાજર રહ્યા હતા.      

હિંમતનગર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..