Back

૨૫મી નવેમ્બરથી પંચમહાલ જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ

પંચમહાલ.

બ્યુરોચીફ. આમીર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી




  રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ શાળા આરોગ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આગામી શાળા આરોગ્ય કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ તા. ૨૫મી નવેમ્બર, ૨૦૧૯થી થશે અને તા. ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૦ સુધી ચાલશે. આ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના શાળાએ જતાં-ન જતાં ૪,૯૪,૨૦૩થી વધુ બાળકોના આરોગ્યની તપાસ કરવાનું આયોજન જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવ્યું છે.  શાળા આરોગ્ય તપાસણીના આ કાર્યક્રમમાં નવજાત શિશુથી લઇને શાળાએ જતાં અને શાળાએ ન જતાં ૧૮ વર્ષ સુધીના તમામ બાળકોને આવરી લેવામાં આવશે. જિલ્લાની કુલ ૩,૯૧૭ સંસ્થાઓ જેમાં આંગણવાડીના ૧,૫૨,૬૬૪ પ્રાથમિક શાળાના ૨,૫૦,૦૬૯ માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૭૫,૬૧૪ તથા આશ્રમ શાળાઓ, કસ્તુર બા ગાંધી શાળાઓ, દિવ્યાંગ શાળાઓ, મદ્રેશાઓ, કેન્દ્રિય વિદ્યાલયો, ચિલ્ડ્રન હોમના મળીને ૧૫,૮૫૬ મળી કુલ ૪,૯૪,૨૦૩ બાળકોની આરોગ્ય તપાસ તબીબી અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવશે. 

આ તપાસમાં આરોગ્ય ખામી ધરાવતા બાળકોને સ્થળ ઉપર સારવાર આપવામાં આવશે. વધુ ખામીવાળા અને ગંભીર ખામીવાળા બાળકોને સેવા કેમ્પમાં સારવાર આપવામાં આવશે. ખામી અનુસાર તજજ્ઞ તબીબોની સારવાર પણ આપવામાં આવશે. 



આ માટે જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો અને સિવિલ હોસ્પિટલમાં સંદર્ભ સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.  

બાળકોના આરોગ્ય તપાસની સાથેસાથે બાળકોને પોષણક્ષમ આહાર, સ્વચ્છ વાતાવરણ, સલામત પીવાનું પાણી, આરોગ્યપ્રદ ટેવોની સાથે સાથે સંસ્કારોનું સિંચન થાય તેવા બહુવિધ હેતુસર ગ્રામ્ય વિસ્તારોમાં ‘શાળા આરોગ્ય સપ્તાહ’ ઉજવવામાં આવશે. જે ગામમાં આ સપ્તાહની ઉજવણી હશે તે ગામમાં પ્રથમ દિવસે શાળાની, પાણીના સ્ત્રોતોની, ગટરોની સફાઇ, ઔષધિય વૃક્ષારોપણ કરાશે. બીજા દિવસે, બાળકોના આરોગ્યની તપાસણી કરાશે. ત્રીજા દિવસે, પૈષ્ટિક વાનગી પ્રદર્શન, બાળ અને સગર્ભા માતા તંદુરસ્તી હરિફાઇ સાથે બાળકના પરિવારમાં આરોગ્યપ્રદ ટેવોનું નિર્માણ થાય અને બાળકોને સંસ્કૃતિના સંસ્કાર મળે તે ઉદ્દેશથી દાદા-દાદી મીટીંગ યોજવામાં આવશે. ચોથા દિવસે તબીબી અધિકારી દ્વારા ખામીવાળા બાળકોના આરોગ્યની તપાસણી સાથે વાલી મીટીંગ યોજાશે. પાચમા દિવસે મનોરંજન કાર્યક્રમો, આરોગ્યપ્રદ રમાતો, વકતૃત્વ સ્પર્ધા, બાળગીતો અને સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવશે.

આમ, એક આરોગ્યપ્રદ માહોલ ઉભો થશે અને ગ્રામકક્ષાએ કામ કરતા આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ, પંચાયત, પાણી પુરવઠા વગેરે વિભાગોની સહભાગીતાને કારણે આરોગ્ય ઉત્સવ થશે તેમજ સમગ્ર વર્ષ દરમિયાન ગ્રામ કક્ષાએ આરોગ્ય ક્ષેત્રે લોક જાગૃતિની પ્રણાલી શરૂ થશે. જેથી તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ શકય બનશે.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..