Back

પંચમહાલ જિલ્લા કલેકટરે ઓરવાડા ગામે રાત્રિ સભા યોજી

પંચમહાલ.

બ્યુરોચીફ. આમિર દેલોલીયા

રિપોર્ટર. કાદિરદાઢી
પંચમહાલ જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરાએ ગોધરા તાલુકાના ઓરવાડા ગામે રાત્રિ સભા યોજી હતી. જેમાં ઉપસ્થિત ગ્રામજનોને સરકારની જનહિતકારી વિવિધ યોજનાઓની માહિતી આપવા સાથે તેમણે ગામની સિંચઇ, પીવાના પાણી, વીજ જોડાણો જેવી સમસ્યાઓનું સમય મર્યાદામાં નિરાકરણ કરવાની ખાતરી આપી હતી.

જિલ્લા કલેકટરે, મધ્યાહન ભોજન યોજના અંતર્ગત બાળકોને દરરોજ એકવાર નાસ્તો અને એકવાર ભોજન આપવાના સરકારના નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વિધવા સહાયમાં આ પહેલા જો ૨૧ વર્ષનો પુત્ર હોય કે થાય ત્યારે સહાય મળતી નહોતી જે મર્યાદાને સરકારે દુર કરી છે. વિધવા સહાયમાં દર માસે રૂા. ૧૨૫૦/-ની સીધી સહાય બેન્ક ખાતામાં જમા થાય છે. વિધવાનો દાખલો પણ ગ્રામ પંચાયતમાંથી મળી રહે છે. 

આવકના દાખલા મેળવવા માટેની માહિતી આપતા કલેકટર શ્રી અરોરાએ જણાવ્યું હતું કે, રૂા. પાચ લાખ સુધીની આવકના દાખલા ગ્રામ પંચાયત ખાતેથી તલાટી પાસેથી મેળવી શકાય છે. તેમજ જેમની વાર્ષિક આવક રૂા. ૧ લાખથી ઓછી હોય તેમણે આવકના દાખલા માટે સોગંદનામું બનાવવાની જરૂરિયાત રહેતી નથી.

 વારસાઇ ન કરાવવાથી સર્જાતી સમસ્યાઓ અને સરકારી યોજનાઓના વ્યક્તિલક્ષી લાભ મેળવવામાં પડતી મુશ્કેલી નિવારવા, વારસાઇ કરાવવા અને તેની નોંધ પડાવવા જિલ્લા કલેકટરે ગ્રામજનોને ભારપૂર્વક કહ્યું હતું. 

રાત્રિ સભામાં નાયબ પશુ પાલન નિયામકે, પશુ પાલન વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી આપવા સાથે ઓરવાડા ગામે પાછલા સમયમાં હડકાયું કુતરું કરડવાથી થયેલા પાલતુ પશુના મૃત્યુ સંદર્ભે હડકવા રોગના લક્ષણો, તેની સારવાર અને રસીકરણ સંબંધે વિગતે માહિતી આપી હતી.             


  અધિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આરોગ્યલક્ષી સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી હતી અને આયુષ્યમાન ભારત અને મા અમૃતમ યોજના અંતર્ગત ગંભીર બિમારીઓમાં રૂા. ૫ લાખ સુધીની મળતી કેશ લેસ સારવારની વિગતે ચર્ચા કરી હતી. તેમણે સગર્ભા, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને કુપોષિત બાળકો માટેની સરકારની સેવાઓ અને યોજનાઓની માહિતી આપતા પોષણક્ષમ ભોજન અંગેની સમજ આપી હતી. 

નાયબ બાગાયત નિયામક દ્વારા ફળ, ફૂલ, શાકભાજી, મરી-મસાલા અને સુગંધિત પાકની ખેડૂતોને મળતી યોજનાકીય સહાય, વધુ પાક ઉત્પાદન માટે આધુનિક ખેત પધ્ધતિ અપનાવવા અને ખેત પેદાશોનું ગ્રેડીંગ થકી વધુ આવક મેળવવા જણાવ્યું હતું. ગોધરા તાલુકા મામલતદાર દ્વારા મહેસુલ વિભાગની યોજનાઓમાં મળતી આર્થિક સહાયની વિગતો આપી હતી. 

ગ્રામજનોએ જિલ્લા કલેકટર સમક્ષ સિંચાઇની સુવિધા માટે, ગામના ફળિયાઓમાં પીવાના પાણીની નવિન સુવિધાઓ ઉભી કરવા, ફળિયાઓને જોડતા સી.સી. રસ્તાઓ બનાવવા તેમજ બાકી રહેલા ઘરોને વીજ જોડાણો આપવા રજુઆતો કરી હતી. જેનો સમય મર્યાદામાં ઉકેલ લાવવા કલેકટર દ્વારા ખાતરી આપવામાં આવી હતી. 

  ગોધરાના પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર શ્રી વિશાલ સક્સેનાએ રાત્રિ સભાનો ઉદ્દેશ સમજાવી ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. 

આ પ્રસંગે, સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજના સમિતિના અધ્યક્ષ શ્રી સરદારસિંહ બારીયા, ગોધરા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ શ્રી અરવિંદભાઇ પરમાર, પ્રાયોજના વહીવટદાર શ્રી એસ.કે.રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી આર.પી.ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચન્દ્રેશ રાઠવા, સહિત જિલ્લાના અધિકારીઓ, ગામના ડેપ્યુટી સરપંચ શ્રી શંકરભાઇ પટેલ, ગ્રામ પંચાયતના સદસ્યો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..