Back

હત્યાના બનાવમાં ગણતરીની કલાકોમાં એક ની ધરપકડ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરની અગાશીમાંથી ગઈકાલે સવારે શ્રમિક યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. હત્યાના બનાવનો ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસની તપાસમાં મૃતકની પત્નીએ પોતાના પ્રેમી સાથે મળી પતિની નિંદ્રાધીન હાલતમાં જ હત્યા કરી નાખી હોવાનું ખુલ્યું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસ અને એલ.સી.બી. પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર ધુંટું ગામની સીમમાં આવેલ સિવેન સીરામીક કારખાનની અગાશીમાંથી ગઈકાલે વિજય ખીમજીભાઈ ગણાવા ઉ.વ.૨૧ નામના મજૂરનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈને મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખેસડીને આ બનાવની તપાસ હાથ ધરી હતી પોલીસની તપાસમાં આ શ્રમિક યુવાનની હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. આથી મૂળ મધ્યપ્રદેશના વતની અને આજ સીરામીક કારખાનામાં મૃતકની સાથે રહેતા તેના ભાઈ મનોજ ખીમજીભાઈ ગણાવાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેના ભાઈ વિજયને કોઈ કારણસર અજાણ્યા શખ્સોએ માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા ઝીકીને હત્યા કરી નાખી હતી. હાલ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરીને તેના પ્રેમીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

 

 

 

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..