Back

રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે સ્પર્ધાત્મક પરિક્ષાના માર્ગદર્શન અંગે એક દિવસીય પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે સ્પર્ધાત્મક પરિક્ષાના માર્ગદર્શન અંગે એક દિવસીય પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

સરકાર ધ્વારા ચાલતા તાલીમ વર્ગોથી આદિવાસી વિસ્તારના ભણેલા યુવાનોને સ્પર્ધાત્મક પરિક્ષાનું માર્ગદર્શન મળે છે તેનો પુરતો લાભ લેવા સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાનો અનુરોધ

હાર્ડવર્ક સાથે ગુગલ સર્ચથી સોફટવર્ક ધ્વારા સ્પર્ધાત્મક પરિક્ષામાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે

રાજપીપલા:
નર્મદા જિલ્લાના મુખ્યમથક ખાતે સરદાર ટાઉન હોલમાં પ્રાયોજના વહિવટદારની કચેરી રાજપીપળા, આદિજાતિ વિકાસ વિભાગ અને શબરી ફાઉન્ડેશન અમદાવાદના સંયુકત ઉપક્રમે સ્પર્ધાત્મક પરિક્ષાની પૂર્વ તૈયારી માટે આદિવાસી સમાજના વિધાર્થીઓ માટેના માર્ગદર્શન અંગે એક દિવસીય પરિસંવાદ કાર્યક્રમને ભરૂચ વિસ્તારના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, જિલ્લા કલેકટરશ્રી આર.એસ.નિનામા, પ્રાયોજના વહિવટદારશ્રી આર.વી.બારીયા, શબરી ફાઉન્ડેશનના પ્રમુખશ્રી હેમરાજભાઇ રાણા, સામાન્ય વહિવટ વિભાગનાશ્રી ઉમેદભાઇ વસાવાની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય કરી ખૂલ્લો મૂકાયો હતો.

આ પ્રસંગે ભરૂચ વિસ્તારના સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતુંકે, ગરીબ અને આદિવાસી પરિવારના ભણેલા વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરિક્ષાનું પુરતું માર્ગદર્શન મળી રહે તે માટે સરકાર ધ્વારા આ એક દિવસીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. યુવા અવસ્થામાં યુવાનો પોતાની કેરિયર બનાવી ભવિષ્યનું જીવન વધુ સારી રીતે જીવી શકે છે. યુવાઓ માટે આ સુવર્ણ યુગ છે. તેને પારખીને તક ઝડપી લેવી જોઇએ. સરકાર આવા ભણેલા યુવાઓને માર્ગદર્શન મળી રહે તે માટે પ્રયત્નશીલ છે. ઓછુ ભણેલાઓ માટે સરકાર કૌશલ્યવર્ધન કેન્દ્રો ચલાવે છે. તેમાં પણ તાલીમ લઇ વ્યવસાય કરી શકાય છે. પ્રાયોજના કચેરી ધ્વારા અલગ-અલગ વિભાગની તાલીમ માટે તાલીમ વર્ગો ચલાવવામાં આવે છે. આ વિસ્તારના આદિવાસી યુવાઓએ જાગૃતતા કેળવી સરકારની આવી યોજનાઓના લાભો લઇ મળતી તક ઝડપી લેવી જોઇએ. સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં સખત મહેનત કરવી પડે છે. યોગ્ય આયોજન કરી પરિક્ષાની તૈયારીકરવાથી સફળતા જરૂર મળે છે. માતા-પિતાઓએ પણ બાળકોના અભ્યાસ અંગે સભાનતા કેળવી સ્પર્ધાત્મક પરિક્ષાઓ અંગેની તાલીમ પણ મળી રહે તે માટે પ્રયત્નો કરવા જરૂરી છે. જે મહેનત કરશે તે સફળતાનેવરશે. આ વાકયને સાર્થક કરવા આળસ છોડી હરિફાઇના જમાનામાં સખત મહેનત કરવાથી જરૂર સફળતા મળે છે. આદિવાસી માટે અનામત જગ્યાની જોગવાઇ સરકારે કરી છે તેના અધિકાર માટે જાગૃત થઇ સખત પરિશ્રમ કરી હર્ષ અને ઉમંગથી પરિક્ષા આપી સફળતાના પ્રયત્નો કરો તેવા શુભાશીષ શ્રી વસાવાએ આપ્યા હતા.

જિલ્લા કલેકટરશ્રી આર.એસ.નિનામાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાનશ્રીએ જણાવ્યું છે કે, તમારા જિલ્લામાં લોખંડી પુરૂષની પ્રતિમા બની છે તો જિલ્લાનો દરેક યુવા લોખંડી પુરૂષ જેવો હોવો જોઇએ. નર્મદા જિલ્લામાં ૧૪ હજાર જેટલા યુવાઓને ગૃપથી જોડવામાં આવ્યાં છે. આ યુવાઓ સમાજ-કુટુંબ-જિલ્લા માટે કામ કરે તે માટે માર્ગદર્શન આપવામાં આવે છે. ઇન્ફોરમેશન ટેકનોલોજીના જમાનામાં ગુગલ સર્ચ કરી દરેક માહિતી મેળવી શકાય છે. હાર્ડવર્ક સાથે સ્માર્ટવર્ક કરવાની શિખામણ આપતાશ્રી નિનામાએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતના વહીવટમાં મદદ કરવા સફળ થાઓ અને તે માટે સતત મહેનત કરતા રહો, છેલ્લી ઘડી સુધી સખત મહેનત કરો, સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં જવલંત સફળત મેળવો તેવી શુભેચ્છા શ્રી નિનામાએ વ્યકત કરી હતી.

આ એક દિવસીય પરિસંવાદનો નર્મદા જિલ્લાના કુલ ૬૫૦ જેટલા વિધાર્થી ભાઇ-બહેનોએ લાભ લીધો હતો. આ પરિસંવાદમાં નાયબ કલેકટર ભરૂચ સર્વશ્રી મિતેશભાઇ પટેલ અને શ્રી મિતેશભાઇ વસાવા-, નાયબ કલેકટરશ્રી નર્મદા ર્ડો. જનમ ઠાકોર, મદદનીશ કમિશનર, આદિજાતિ વિકાસ રાજપીપળા શ્રી વિરેન્દ્રસિંહ વસાવા, તાલુકા વિકાસ અધિકારીશ્રી સાવલી શ્રી મનહર દેસાઇ અને મામલતદારશ્રી નાંદોદ શ્રી અરવિંદ ભાટીયા વગેરેએ વિષય તજજ્ઞતા સાથે માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

રીપોર્ટર જુનેદ ખત્રી

નર્મદા જિલ્લા માં દરેક તાલુકાઓ માં રિપોર્ટરો ની નિમણુક કરવાની છે ઇચ્છુક ઉમેદવાર સંપર્ક કરો-
જુનેદ ખત્રી મો.નં- 84011 88553