Back

આજે સૌરાષ્ટ્રભરમાં ખેડૂતો મામલતદારને આવેદન આપશે


    ખેડૂતોના વિવિધ પ્રશ્ને આજે ફરી એક વખત રેલી અને આવેદનપત્ર રાજ્યના દરેક તાલુકામાં આપવામાં આવશે. આજે સવારે 11 કલાકે રાજ્યભરના ખેડૂતો એકઠા થશે અને રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપશે.ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કાર્યક્રમ આપવામાં આવશે.રાજકોટ જિલ્લાના 500 થી વધુ ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાશે. આ અંગે ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઈ સખિયાના જણાવ્યાનુસાર સરકાર માત્ર મોટી મોટી વાતો કરે છે પણ કાંઈ કામ કરતી નથી. જેને કારણે ખેડૂતોની હાલત રોજેરોજ બગડતી જાય છે.ખેડૂતોના હિતમાં ઠોસ નિર્ણય લેવાતો નથી.ટેકાના ભાવની જાહેરાત કરે છે ત્યાં સુધીમાં તો અડધો માલ વેચાઇ ગયો હોય છે, આવું ન બને તે માટે ટેકાના ભાવની જાહેરાત વહેલી તકે કરવી જોઈએ જેથી ખેડૂતોને લાભ થાય. આ ઉપરાંત માત્ર રાતે જ વીજપુરવઠો મળે છે દિવસે મળતો નથી, તેથી ખેડૂતો હેરાન થાય છે.ખેડૂતોની હાજરી વિના સરવે કરી નાખ્યો છેે.જેથી તે સરવે ફરી વખત કરવામાં આવે તે જરૂરી છે.પાક વીમો ઝડપથી કરવામાં આવે.જે તાલુકામાં વરસાદ પૂરતો નથી થયો તેમને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે.ચોમાસાની પૂર્વે 90 ટકા ચેકડેમ ખાલી થઇ ગયા છે તો તાત્કાલિક તેમને ઊંડા ઉતારવાની કામગીરી શરૂ કરવાના મુદ્ે આવેદનપત્ર આપવામાં આવશે.