Back

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ ની તડામાર તૈયારીઓ શરૂ, ૭૫ A/c ટેન્ટ, ૭૫ ડિલક્સ ટેન્ટ અને ૭૫ Non A/c ટેન્ટની સુવિધા ઉભી કરાઇ રહી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ ની તડામાર તૈયારીઓ શરૂ, ૭૫ A/c ટેન્ટ, ૭૫ ડિલક્સ ટેન્ટ અને ૭૫ Non A/c ટેન્ટની સુવિધા ઉભી કરાઇ રહી છે.

ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સીંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ સ્થળની લીધેલી મુલાકાત :

જિલ્લા પ્રભારી સચિવશ્રી હૈદર, અગ્ર સચિવશ્રી રાકેશ અને સચિવશ્રી વસાવા સહિત નિગમના CMD શ્રી રાઠોર પણ મુલાકાતમાં જોડાયાં

વડાપ્રધાનશ્રીના તા.૩૧ મીના કાર્યક્રમના પ્રાથમિક સૂચિત સ્થળ-મહાનુભાવો માટે પર્યાપ્ત હેલીપેડ સુવિધા માટેના સૂચિત સ્થળની મુલાકાત-નિરીક્ષણ સાથે વરિષ્ઠ સચિવશ્રીઓએ સ્થળ પર કરેલો વિચાર-વિમર્શ

રાજપીપલા:
ગુજરાતના સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સીંઘ, નર્મદા અને જળસંપત્તિ તેમજ પંચાયત વિભાગના અગ્ર સચિવશ્રી એ.કે. રાકેશ, ગુજરાતના પ્રવાસન વિકાસ વિભાગના અગ્ર સચિવશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી સચિવશ્રી એસ.જે. હૈદર, ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી એસ.બી. વસાવાએ આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે વડાપ્રધાનશ્રીના હસ્તે વિશ્વમાં સૌથી ઉંચી ૧૮૨ મીટરની લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અંતર્ગત પ્રતિમાના યોજાનારા લોકાર્પણ સમારોહની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની મુલાકાત લઇ થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટરશ્રી એસ.એસ. રાઠોર, જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. જીન્સી વિલીયમ સહિત નિગમના ઇજનેરો અને જિલ્લા પ્રશાસનના સંબંધિત વરિષ્ઠ અધિકારીશ્રીઓ પણ તેમની સાથે જોડાયાં હતાં.

સામાન્ય વહિવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતા સીંઘ સહિતના વરિષ્ઠ સચિવશ્રીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે મેમોરીયલ અને વીઝીટર્સ સેન્ટરમાં થઇ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યાં બાદ વડાપ્રધાનશ્રીના તા.૩૧ મી ઓક્ટોબર, ૨૦૧૮ ના રોજના સરદાર સાહેબની પ્રતિમાના લોકાર્પણ સમારોહ માટેના પ્રાથમિક સૂચિત કાર્યક્રમના સ્થળની મુલાકાત-નિરીક્ષણ કરી કાર્યક્રમના સ્વરૂપ અંગેની પ્રાથમિક ચર્ચા ઉપરાંત કેવડીયા કોલોની ખાતે ઉક્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા મહાનુભાવો માટેના હાલના હેલીપેડની સુવિધા ઉપરાંત વધારાના પર્યાપ્ત હેલીપેડની સુવિધા ઉભી કરવા અંગે પણ સ્થળ ઉપર જરૂરી વિચાર-વિમર્શ કર્યો હતો. ત્યારબાદ વરિષ્ઠ સચિવશ્રીઓની આ ટૂકડી કેવડીયા ડેમ સાઇટ ખાતે આકાર પામી રહેલી નર્મદા ટેન્ટ સીટીના સ્થળની પણ મુલાકાત લઇ ત્યાં થઇ રહેલી કામગીરીનું પણ તેમણે નિરીક્ષણ કર્યું હતું. પ્રવાસન વિભાગના અગ્ર સચિવશ્રી એસ.જે. હૈદરે આ ટેન્ટ સીટી ખાતે ઉભી થનારી સવલત અંગે આપેલી જાણકારી મુજબ ૭૫ A/c ટેન્ટ, ૭૫ ડિલક્સ ટેન્ટ અને ૭૫ Non A/c ટેન્ટની સુવિધા ઉભી કરાઇ રહી છે. પ્રવાસીઓ માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થાનો પ્રબંધ કરાશે અને સાંજે હાઇ-ટી સાથે સાઉન્ડ એન્ડ લાઇટ-શો માણી શકે તેવી વ્યવસ્થાઓ પણ ભવિષ્યમાં ઉભી કરાશે.

આ મુલાકાત દરમિયાન સામાન્ય વહિવટ વિભાગના સંયુક્ત સચિવશ્રી જવલંત ત્રિવેદી, ગુજરાતના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નરશ્રી સતિષ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એચ.કે. વ્યાસ, નર્મદા નિગમના મુખ્ય ઇજનેરશ્રી પી.સી. વ્યાસ, માર્ગ અને મકાન વિભાગના અધિક્ષકશ્રી ઇજનેરશ્રી પી.એમ. મોદી સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

રીપોર્ટર જુનેદ ખત્રી